Corona Virus: ગુજરાતમાં એક દિવસમાં કોરોના કેસમાં મોટો વધારો, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે ફરી કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 165 કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ પહેલા રાજ્યમાં 111 કેસ સામે આવ્યા હતા. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયુ નથી. તો કોરોનાની સારવાર બાદ 77 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 528 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 92 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 22, સુરત જિલ્લામાં 12, ગાંધીનગર જિલ્લામાં 10, ભાવનગરમાં 6, જામનગર 5, મહેસાણા, નવસારીમાં ત્રણ-ત્રણ, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છમાં બે-બે અને બનાસકાંઠામાં એક કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 900ને પાર
નવા કેસની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 920 પર પહોંચી ગઈ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ 12 લાખ 14 હજાર 663 લોકો સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 99.03 ટકા છે.
આ પણ વાંચોઃ Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો
તો કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના 45 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં વેક્સીનના કુલ 11 કરોડ 5 લાખ 90 હજાર 48 ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube