રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચરાના નિકાલના મોરચે એક નવી પહેલ કરવા જઈ રહ્યું છે. શહેરમાં જાહેર જગ્યાઓ પર મૂકાયેલી મોટી કચરા પેટીઓ દૂર કરવા કોર્પોરેશને નિર્ણય લીધો છે. કોર્પોરેશને આ અંગે લોકો પાસેથી વાંધા સૂચનો પણ મંગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરને કચરા મુક્ત બનાવાશે
વડોદરા શહેરને ગાર્બેજ ફ્રી એટલે કે કચરાથી મુક્ત બનાવવા માટે કોર્પોરેશને કમર કસી છે. જાહેરમાં ફેંકાતા કચરાની સમસ્યાના ઉકેલ માટે કોર્પોરેશન સક્રિય બન્યું છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે શહેરને ગાર્બેજ ફ્રી બનાવવા માટે કોર્પોરેશને કેટલાક નિર્ણયો લીધા છે. જે પ્રમાણે જાહેરમાં મૂકાયેલી કચરાપેટીઓને દૂર કરાશે. 


કચરો નાંખવા માટેના આ કન્ટેઈનરો ઘણી જગ્યાએ ગંદકીનું કારણ બને છે. કચરાપેટીઓની આસપાસની જગ્યા ઉકરડો બની જાય છે. આ જ કારણ છે કે હવે કોર્પોરેશને જાહેર જગ્યાઓ પરથી આ કન્ટેઈનરો દૂર કરવાનો નિર્ણય લીધો છે. શહેરીજનો જાહેરમાંથી કચરાપેટીઓ દૂર કરવાના તંત્રના નિર્ણયને આવકારી રહ્યા છે, જો કે વ્યાવસાયિક એકમોની માગ છે કે ડોર ટુ ડોર કચરાનું એકત્રિકરણ કરતા વાહનોની સંખ્યા અને તેમના ફેરા વધારવામાં આવે, જેથી તેમને કચરાના નિકાલ કરવામાં તકલીફ ન થાય.


આ પણ વાંચો- વલસાડમાં મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ કફોડી, સરકાર પાસે માંગી મદદ


તંત્ર તરફથી સ્વચ્છતા માટે મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના લોકોની કેટલીક ફરિયાદો પણ છે. લોકોનું માનીએ તો શહેરમાં સફાઈકર્મીઓ પૂરતી સંખ્યામાં નથી. ઘણી જગ્યાએ સફાઈ નથી કરાતી. કચરાના નિકાલ માટે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી પર નજર કરીએ તો બલ્ક વેસ્ટ જનરેટર્સ દ્વારા ઓન સાઇટ કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે. યુઝર ચાર્જની વસૂલાત સાથે પેનલ્ટીની વસૂલાત કરવામાં આવે છે. 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. શહેરમાં ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાય છે. કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટના રિસાઈકલ અને પ્રોસેસિંગ પ્લાન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરીજનોની ફરિયાદોના નિવારણ માટે સ્વચ્છતા એપ છે. કોઈ પણ નાગરિકને વાંધા સૂચનો હોય તો 15 દિવસમાં કોર્પોરેશનની કચેરીમાં લેખિત રજૂઆત કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 250 જેટલા કચરા કેન્દ્રો છે, જ્યાં સવારે ઠલવાતો કચરો બપોર સુધીમાં ઉઠાવી લઈ ડમ્પિંગ યાર્ડમાં મોકલાય છે. હવે આ તમામ કચરા કેન્દ્રો હવે દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube