તેજસ મોદી, સુરતઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મનીષા કુકડિયાની ફરી ઘર વાપસી થઈ છે. થોડા સમય પહેલાં ભાજપમાં જોડાયેલા મનીષા કુકડિયા ફરી આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેમની ઘરવાપસીથી આપના કાર્યકર્તાઓ ખુશ થયા છે. મનીષા કુકડિયા આપના પ્રદેશ પ્રભારી ગુલાબ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં ફરી આપમાં સામેલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરી મહિનામાં સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટો પર જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે આપને ઝટકો આપતા તેના પાંચ કોર્પોરેટરોને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. 


આ પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા
ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનારા આપના પાંચ કોર્પોરેટરોમાં રૂટા કાકડિયા, ભાવના સોલંકી, વિપુલ મોવલિયા, જ્યોતિકા લાઠિયા અને મનીષા કુકડિયા સામેલ હતા. આ પાંચેય કોર્પોરેટરે કમલમાં પત્રકાર પરિષદમાં ભેદભાવ સહિતના આરોપો લગાવી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 


આ પણ વાંચોઃ ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવાદ, પ્રમુખ ભુપત બોદરથી સમિતિના ચેરમેન નારાજ


મનીષા કુકડિયાએ આપ્યું હતું નિવેદન
ભાજપમાં સામેલ થયા બાદ કોર્પોરેટર મનીષા કુકડિયાએ કહ્યું હતું કે સુરત કોર્પોરેશન ચૂંટણી જીત્યા બાદ તે દિલ્હીમાં આપ દ્વારા બનાવવામાં આવેલા વિકાસ મોડલ જોવા ગયા પરંતુ તેમનું મોડલ નકલી હતું. આ સાથે તેમણે કહ્યું કે, અમને જનતાના મુદ્દા પર મેયરને મળવાની મંજૂરી નહોતી અને અમે જ્યારે ગરીબ લોકોના રાશનનો મુદ્દો ઉઠાવ્યો તો અમને તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. 


ઈટાલિયાએ આરોપો નકાર્યા હતા
ત્યારબાદ ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ આરોપો નકારતા કહ્યુ કે, ભાજપે તેને પૈસા આપીને ખરીદ્યા છે. હવે ફરી કોર્પોરેટર મનીષા કુકડિયાએ ઘરવાપસી કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube