એ...એ...કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!
રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા.
ઝી બ્યુરો/અમદાવાદ: ચેનપુર વિસ્તારમાં વૃક્ષારોપણ માટે આવેલા ભાજપના ત્રણ કોર્પોરેટરને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. જી હા...પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો મામલે સ્થાનિકોએ સામુહિક રજુઆત કરતા જ નેતાઓએ સ્થળ છોડીને ભાગવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષોથી ચેનપુર ગામ કોર્પોરેશનમાં ભળી ગયું છે, પરંતુ આજદિન સુધી વિકાસ કરવામાં આવ્યો નથી કે કોર્પોરેટરો અહીં જોવા માટે આવ્યા નથી. માત્ર વૃક્ષારોપણ કરવાના નામે ફોટા પડાવવા માટે આવી ગયા હતા.
રાણીપ વોર્ડના 3 કોર્પોરેટરને ખખડાવ્યા
રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા અને ભાજપના કોર્પોરેટરોને રજૂઆત કરી હતી કે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ચેનપુર ગામ કોર્પોરેશનમાં ભળી ગયું છતાં કોઈ વિકાસ થયો નથી. રોડ, ગટર અને સફાઇના મુદ્દે સ્થાનિકોએ સામુહિક રજુઆત કરતા ભાજપી નેતાઓ જ્વાબ આપવા ઉભા પણ રહ્યા નહોતા
અહીંના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી એક તળાવ બન્યું નથી. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતાની સાથે ત્રણેય કોર્પોરેટર ત્યાંથી ચાલતી પકડી હતી. ત્રણેય કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરી ત્યાંથી નીકળી ગયા હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેનપુર ફાટક નજીક છેલ્લા ત્રણ વર્ષથી રેલવે અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી.
ઉલ્લેખનીય થે કે ચોમાસા દરમિયાન એક મહિના માટે ચેનપુર અન્ડરબ્રિજ પાસે કામગીરીના પગલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ન્યુ રાણીપથી જે લોકોને એસજી હાઈવે જવું હોય તેને ન્યુ રાણીપ નવા અંડરપાસ અથવા ચેનપુર પાસેથી એક કિલોમીટર ફરીને જવું પડે છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી કહે છે કે અમે ચોમાસામાં પણ કામગીરી ચાલુ રાખીશું અને જલદીથી આ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થશે.