પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટની બે વર્ષમાં આવી હાલત! 118 કરોડના લાઈટ હાઉસ પ્રોજેકટમાં કૌભાંડ
PM Modi Dream Project : રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેક્ટની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ... PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઈટ હાઉસમાં નબળી ગુણવત્તાનું કામ થયાનો દાવો.. લાઈટ હાઉસ પ્રોજેક્ટ અસોસિયેશને પત્રકાર પરિષદ કરી દાવો કર્યો.. ફ્લેટમાં પાણી લીક થયા છે, દીવાલમાં તિરાડો પડી... સેમ્પલ ફ્લેટ અલગ બતાવાયો અને લાભાર્થીઓને અલગ ફ્લેટ અપાયાનો દાવો..
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ સ્માર્ટ સિટીમાં 118 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેકટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. માલાણી કન્ટ્રક્શન દ્વારા તૈયાર કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેકટમાં બે વર્ષમાં જ ગાબડા પડવા લાગ્યા છે. સ્થાનિકોએ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. શું ખરા અર્થમાં ગરીબોને ફાળવવામાં આવેલ ઘરનું ઘર રહેવા લાયક છે ? જુઓ અમારા આ રિપોર્ટમાં..
આ દ્રશ્યો છે ગરીબોને આપવામાં આવતા ઘરના ઘરના...દીવાલમાં અડતા જ ખરે છે રેતી અને સિમેન્ટ...ગરીબોને આપવામાં આવતા ઘરના ઘરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરમાં 118 કરોડોના ખર્ચે બનેલા લાઈટ હાઉસ પ્રોજેકટમાં માત્ર બે વર્ષમાં ભેજ ઉતરવા લાગ્યો છે. એટલું જ નહીં પોપડા અને તિરાડો પડવાની સાથે ગટર ઉભરાવી જેવી સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આંદોલન કરવાની તૈયારી પણ સ્થાનિકોએ દર્શાવી છે. ફ્લેટ હોલ્ડરોનું કહેવું છે કે, રૈયાગામ નજીક પ્રધાનમંત્રી મોદીનાં ડ્રિમ પ્રોજેકટ લાઈટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 118 કરોડના ખર્ચે બનેલા આ લાઈટ હાઉસમાં લાભાર્થીઓને રૂ. 3.20 લાખ જેટલી નજીવી કિંમતે આવાસો આપવામાં આવ્યા હતા. બાકીનો ખર્ચ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટમાં ખાસ જર્મન ટેક્નોલીજીનો પ્રયોગ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીનાં હસ્તે બે વર્ષ પહેલાં લાભાર્થીઓને અહીં ફ્લેટ સોંપવામાં આવ્યા હતા. જોકે માત્ર 2 વર્ષમાં કરોડોનાં પ્રોજેકટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે
શું છે લાઈટ હાઉસ પ્રોજેકટ
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ, દેશમાં અલગ અલગ ટેકનોલોજી થી 6 આવાસ બનાવવામાં આવ્યા હતા
- દેશમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં કુલ 1144 આવાસ બનાવવામાં આવ્યા
- 13 માળના 11 ટાવર બનાવવામાં આવ્યા
- 6741.66 ચો.મી. એરીયા એક ટાવર માટે ફાળવવામાં આવ્યો
- એક માળ પર 8 આવાસનો સમાવેશ કરાયો હતો
- એક આવાસ અંદાજિત રૂ. 10.39 લાખમાં તૈયાર થાયા
- કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 5.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.50 લાખની સબસીડી ગ્રાન્ટ આપવામાં આવી
- લાભાર્થીઓને આ ફ્લેટ રૂ. 3.39 લાખમાં સોંપવામાં આવ્યો
- જર્મન ટેકનોલોજીના ઉપયોગ થી તૈયાર કરવામાં આવેલ આ લાઈટ હાઉસ પ્રોજેકટમાં એક દિવસમાં 4 ફ્લેટ તૈયાર કરવામાં આવતા હતા
લાઈટ હાઉસ પ્રોજેકટ લાભાર્થીઓને સોંપી દેવામાં તો આવ્યો. પરંતુ તેનું 5 વર્ષ સુધી તેને મેઇન્ટેન પણ કોન્ટ્રાકટર માલાણી બિલ્ડરે જ કરવાની શરત હતી. જેમાં કુલ 1144 ફ્લેટ અને તમામ વીંગને મેઇન્ટેન કરવાની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 લાખમાં તૈયાર થયેલા આ ફ્લેટ ગરીબોને રૂપીયા 3,20,000માં આપવાનો નિર્ણય કર્યો અને સબસીડી બાદ કરી આ ફ્લેટ આપવામાં આવ્યા. જેમાં જર્મન ટેક્નોલીજી દ્વારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ હતો. Zee 24 કલાક દ્વારા સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરી તો જાણવા મળ્યું હતું કે, અંદાજિત બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો હતો. પરંતુ અહીં તો પાણી લીકેજ , ઇલેક્ટ્રિક પોઇન્ટ ના હોલ્ડરો નથી ,બારી પ્રમાણે છજા નથી , દીવાલોમાં તિરાડો સહિતની સમસ્યાઓથી લાભાર્થીઓ હેરાન પરેશાન છે. બ્રોસર પ્રમાણે લાઈટ ,પંખા અને સેફટી ડોર આપેલ નથી. સેમ્પલ ફ્લેટ અલગ બતાવાયો અને લાભાર્થીઓ ને અલગ ફ્લેટ આપવામાં આવ્યા હતા.
તો બીજી તરફ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે સ્વીકાર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લાઈટ હાઉસ ડ્રિમ પ્રોજેકટ હતો. સ્થાનિકોને પાણીની સમસ્યા હતી જે મારા ધ્યાનમાં આવતા જ પીવાના પાણીની સમસ્યા હલ કરી હતી. સ્થાનિકો દ્વારા લાઈટ હાઉસ પ્રોજેકટમાં અન્ય કોઈ સમસ્યા હોય તો તેની રજૂઆત મારા સુધી કરી નથી. આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર હસ્તકનો છે અને સંચાલન કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવતું હોય છે. બે વર્ષમાં જ આવી હાલત થઈ છે તે અંગે કોઈ રજૂઆત આવશે તો જેતે અધિકારીઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ કરીશું
ઉલ્લેખનીય છે કે, આવાસમાં લિવિંગ રૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ, કિચન, વોશિંગ એરીયા, બે ટોઈલેટ-બાથરૂમ, વીટ્રીફાઈડ ટાઈલ્સ, લાઈટ-પાણી, સુંદર હવા-ઉજાસ, રસોડામાં પાઇપ વડે ગેસ, પ્લેટફોર્મની નીચે કેબીનેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે માત્ર બે વર્ષમાં જ પ્રોજેક્ટનાં કામમાં નબળી ગુણવતાનો માલ વાપરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.