નવસારીઃ સગીર વયની ઉંમરની વ્યક્તિને વાહન ચલાવવા આપવાનું કેટલુ મોંઘુ પડી શકે છે તેની સાબિતી આપતો કિસ્સો નવસારીમાં બન્યો છે. વાંસદાના ભીનાર ગામમાં રહેતા શંકર પટેલ નામના શખ્સે તેના સગીર પૌત્રને બાઇક ચલાવવા આપ્યુ હતું. ત્યારે બાઇકની ટકકરથી જિતેન્દ્ર કુમાર નામના શખ્સને ઇજા થતા તેનું મોત નીપજ્યુ હતું. સમગ્ર મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. વાંસદા કોર્ટે અકસ્માત કરનાર કિશોર સગીર વયનો હોવાથી તેને બાઇક ચલાવવા આપનાર તેના દાદાને 10 દિવસની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે વાંસદા કોર્ટે આ સજા ફટકારી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.


પ્રાપ્ત વિગત અનુસાર ભીનાર ગામે રહેતા શંકરભાઇ પટેલે તેમના સગીર વયના પૌત્ર સાવનને પોતાની ગાડી ગત 27 જૂનના રોજ ચલાવવા માટે આપી હતી. આ દરમિયાન પૌત્રએ અકસ્માત સર્જયો હતો અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તો આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, પૌત્ર પાસે લાયસન્સ ન હોવા છતા તેના દાદાએ તેને ગાડી ચલાવવા મમાટે આપી તેથી દાદાની ભૂલ છે. કોર્ટે ચુકાદો આપતા શંકરભાઇને 10 દિવસની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.