પાટીલનું મિશન ઉત્તર ગુજરાત શરૂ, અંબાજી દર્શન કરીને પ્રવાસના શ્રીગણેશ કર્યા
સૌરાષ્ટ્રની જેમ બેક ટુ બેક બેઠકો યોજશે, એક સમયે ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં પણ સીઆર પાટીલ રોકાવાના છે
પરખ અગ્રવાલ/બ્રિજેશ દોશી/અંબાજી :આજે માં અંબાના દર્શન કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસનો શુભારંભ કર્યો છે. આજે સવારે સીઆર પાટીલ અંબાજી મંદિર (Ambaji) પહોંચ્યા છે. જ્યાં તેઓએ શક્તિપીઠમાં માથુ ટેકવ્યું હતું. ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) આજે સૌ પ્રથમ વખત મા અંબાના દર્શન કરી રહ્યાં છે. તેઓએ ગર્ભગૃહમાં જઈને મા અંબાના દર્શન કર્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેઓનું ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં આજથી પાટીલના પ્રવાસની શરૂઆત થાય છે. ત્રણ દિવસમાં તેઓ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગરમાં બેઠકો કરીને કાર્યકર્તાઓને મળશે. 3 દિવસમાં તમામ જિલ્લામાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે બેઠકો કરશે. સામાજિક તથા ધાર્મિક, સહકારી આગેવાનો સાથે પણ બેઠકો કરશે. જનસંઘ સમયના અગ્રણીઓની મુલાકાત લેશે.
ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસનો પ્રવાસ
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજથી ઉત્તર ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ મા અંબાના ધામ અંબાજીમાં માતાજીનાં દર્શન કરીને સીઆર પાટીલ પોતાના પ્રવાસની શરૂઆત કરી છે. આદ્યશક્તિના આશીર્વાદ લઈને સીઆર પાટીલ બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર જશે. પાલનપુરમાં ભાજના કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપશે. જે બાદ સીઆર પાટીલ બનાસકાંઠાના ડીસામાં જવાના છે. ડીસામાં પણ પક્ષના કાર્યકરો, નેતાઓ, અગ્રણીઓ, વેપારીઓ અને ખેડૂતોને મળશે.
આખા કચ્છમાં ફફડાટ, 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવ્યા...
સૌરાષ્ટ્રની જેમ બેક ટુ બેક બેઠકો યોજશે
બનાસકાંઠાના પ્રવાસ બાદ સીઆર પાટીલ મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલા મા ઉમિયાના ધામમાં આવી પહોંચશે. પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાનાં દર્શન કરીને સૌરાષ્ટ્રની જેમ જ સીઆર પાટીલ ભાજપ કાર્યકરો સાથે બેઠક કરશે. તેમને મળશે અને તેમને માર્ગદર્શન પણ આપશે. એક સમયે ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં પણ સીઆર પાટીલ રોકાવાના છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડીને સીઆર પાટીલ મિશન 182નો સંદેશો પોતાના કાર્યકરો સુધી પહોંચાડી રહ્યા છે અને તમામ નેતાઓને કામે લાગી જવાનું આહવાન કરી રહ્યા છે. પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત બાકી છે તે સંજોગોમાં સી આર પાટીલનો આ પ્રવાસ ખૂબ મહત્વનો બની રહેવાનો છે.
આજથી અંબાજી મંદિર શરૂ
તો ભાદરવી પૂનમ માટે બંધ કરાયેલા અંબાજી મંદિરના દ્વાર આજથી ફરી ખૂલ્યા છે. મેળા દરમિયાન ભીડભાડથી દૂર રહેવા મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો હતો. ત્યારે આજથી ફરી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. સવારે 7.30 કલાકે મંદિરના દ્વાર ખૂલતા માતાજીના પટ પણ ખૂલ્યા હતા. જોકે, આરતી દરમિયાન દર્શનાર્થીઓને પ્રવેશ નહિ મળે. માતાજીના રાજભોગ મોહનથાળનો પ્રસાદ પણ આજથી મળશે.
તમામ પોઈન્ટ્સ પર ભવ્ય સ્વાગત
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સીઆર પાટીલના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. દાંતા, પાલનપુર અને ડીસામાં પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરાશે. ડીસામાં સી આર પાટીલની ભાજપ યુવા મોરચા દ્વારા રક્તતુલા કરાશે. તેઓ ડીસામાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. તો સાથે જ જિલ્લાના સામાજિક, ધાર્મિક આગેવાનો અને વેપારીઓ સાથે પણ બેઠક કરશે.