BJP માં જૂથવાદ પર પાટીલનું મોટું નિવેદન; રૂપાણીએ મને ફોન કરી કહ્યું કે, હું આજના કાર્યક્રમમાં જોડાઈશ`
સીઆર પાટીલે જણાવ્યું છે કે ભાજપ એક પરિવાર છે, હાલ ભાજપમાં જે જૂથવાદની વાતો ફેલાઈ રહી છે, તે સાવ ખોટી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ મને ફોન કરી જણાવ્યું હતું કે, હું આજના કાર્યક્રમમાં જોડાઈશ.
ગૌરવ દવે/રાજકોટ: ભાજપમાં જૂથવાદની ચર્ચાએ રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નામ ગાયબ થઈ જતા જૂથવાદને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી. હવે આ મુદ્દે રાજનીતિ શરૂ થતાં રાજકોટ ભાજપમાં જૂથવાદ પર સીઆર પાટીલે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને વિવાદનો અંત આણવાનો પ્રયત્ન કર્યો છે.
સીઆર પાટીલે જણાવ્યું છે કે ભાજપ એક પરિવાર છે, હાલ ભાજપમાં જે જૂથવાદની વાતો ફેલાઈ રહી છે, તે સાવ ખોટી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ મને ફોન કરી જણાવ્યું હતું કે, હું આજના કાર્યક્રમમાં જોડાઈશ. વિજય રૂપાણી પ્રવાસમાં હોવા છતાં કાર્યક્રમમાં જોડાયા હતા.
ગઈકાલે ભાજપની આમંત્રણ પત્રિકા બાદ ભાજપમાં જૂથવાદનો વિવાદ વકર્યો હતો. રાજકોટના લક્ષ્મીનગર અંડર બ્રિજના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ જ નહોતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, છતા તેમનુ નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ હતું. પત્રિકામાં રૂપાણીનું નામ ન હોવાથી વિવાદની વાતો વહેતી થઈ હતી. ગઈકાલે CM ભૂપેન્દ્ર પટેલે લક્ષ્મીનગર અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.
સીએમના રોડ-શોમાં પણ રૂપાણીની ગેરહાજરીથી અનેક સવાલ ઉઠ્યા હતા. પાટીલના પ્રવાસ સમયે પણ રૂપાણીની ગેરહાજરીથી વિરોધીઓને સવાલો ઉઠાવવાનો મોકો મળ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube