Sachin Tendulkar પણ મહારાજા જામ સાહેબ પાસે શિખ્યાં ક્રિકેટના સ્ટ્રોક! જાણો રણજીતસિંહની રોચક કહાની
Happy Birthday Sir Ranjit Singhji: જેમના નામથી રમાય છે ક્રિકેટની રણજી ટ્રોફી, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ તેમને માને છે ગુરુ, ઈંગ્લેન્ડ સહિત દુનિયાભરના ક્રિકેટર્સ છે જેના સ્ફોટક બેટિંગના કાયલ, જાણો એવા શાનદાર ગુજરાતી ક્રિકેટરની કહાની...
રાજન મોદી, અમદાવાદઃ રણજીત સિંહ આ એજ નામ છે જેને ભારતીય ક્રિકેટને અમર કરી દીધી. તેમના નામે જ રાષ્ટ્રીય ક્રિકેટ ચેમ્પિયનશિપ આયોજિત કરવામા આવી જે આજે પણ રણજી ટ્રોફીના નામે ચાલી રહી છે. જો કે એ વાત અલગ છે કે તેઓ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા, પરંતુ ભારતીય ક્રિકેટમાં જીવ ફૂંકવામાં તેમનું જ યોગદાન રહ્યું. આજે તેમને એટલા માટે પણ યાદ કરવામા આવી રહ્યા છે કેમ કે ક્રિકેટ જગતમાં આજે રણજીત સિંહનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. 10 સપ્ટેમ્બર 1872માં કાઠિયાવાડમાં થયો હતો જન્મ. તેઓ તે સમયે નવાનગરના મહારાજા જામ સાહેબ હતાં. તેમણે 2 એપ્રિલ 1933ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રણજીતનો ક્રિકેટ સફર કેવો રહ્યો અને તેની કહાની શું છે આવો જાણીએ.
બહુ મુશ્કેલીથી સિલેક્શન થયું હતું-
16 વર્ષી ઉંમરે રણજીત અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા હતા. તેમને ફુટબોલ, ટેનિસ જેવી રમત પસંદ હતી પરંતુ ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો ક્રેઝ જોતાં તેમણે પણ પોતાનો હાથ અજમાવ્યો. તેમનું સિલેક્શન પણ ઈંગ્લેન્ડ માટે જ થયું. પરંતુ તેના માટે પણ ઘણો વિવાદ થયો. રણજીએ પોતાની પહેલી મેચ 16 જુલાઈ 1896ના રોજ મેનચેસ્ટરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડના સિલેક્ટર્સ તેમને ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નહોતા. લોર્ડ હારિસ રણજીતની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે રણજીતનો જન્મ ઈંગ્લેન્ડમાં નહીં પરંતુ ભારતમાં થયો છે, તેથી ઈંગ્લેન્ડ ટીમમાં તેમનું સિલેક્શન ના થઈ શકે. જો કે રણજીતે 1993થી જ રણજી મેચ રમવાની શરૂ કરી દીધી. આ દરમ્યાન તેમને પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ઓળખવામાં આવ્યા.
સચિન તેંડુલકર પણ જામ સાહેબ પાસે શિખ્યાં-
રણજીતે પોતાના કાંડાની જાદૂગરીથી આ ખેલમાં લેગ ગ્લાંસ જેવા ઑન સાઈડના કેટલાય નવા સ્ટ્રૉક જોડ્યા હતા. રણજીત પોતાના જમાનાના એવા બેટ્સમેન હતા જેમની પાસે કેટલાય પ્રકારના સ્ટ્રોકનો ખજાનો હતો. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ રણજીતને જ ફોલો કરતાં હતાં. સચિન તેંડુલકર પણ ઓન સાઈડ પર કેટલાય સ્ટ્રોક્સ લગાવવાનું મહારાજા જામ સાહેબ સર રણજીતસિંહજી પાસે જ શિખ્યા છે. રણજીતની અદ્ભુત બેટિંગ જોયા બાદ ઈંગ્લેન્ડના સિલેક્ટર્સ પણ દંગ રહી ગયા અને તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા.
પહેલી ટેસ્ટમાં જ ધમાલ મચાવી-
રણજીતે ખુદને સાબિત કર્યા. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં જ 62 અને અડીખમ 154 રનની બે લાજવાબ ઈનિંગ રમી. તેમણે બીજી ઈનિંગમાં 23 ચોગ્ગાની મદદથી 154 રન બનાવ્યા હતા. આની સાથે જ તેઓ દુનિયાના પહેલા ખેલાડી બની ગયા જેમણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં ફીફ્ટી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હોય. માત્ર એટલું જ નહિ, રણજીત ટેસ્ટ ક્રિકેટના પહેલા ખેલાડી હતા જેઓ પોતા કરિયરની પહેલી ટેસ્ટ મેચમાં સદી લગાવતાં અડીખમ રહ્યા. રણજીતે ઈંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે 2 સદી અને 6 ફિફ્ટી સાથે 989 રન બનાવ્યા છે. તેમનો ઉચ્ચતમ સ્કોર 175 રહ્યો.
પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ધમાલ-
રણજીતનો પ્રથમ શ્રેણી ક્રિકેટમાં દબદબો રહ્યો છે. તેમણે રમેલી 307 મેચમાં 56.37ની એવરેજથી 24 હજાર 692 રન બનાવ્યા હતા, જેમાં 109 ફીફ્ટીની સાથે 72 સદી પણ સામેલ છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમનો ઉચ્ચતમ સ્કોર 285 રહ્યો. તેમણે 133 વિકેટ પણ ચટકાવી છે. રણજીનું બેટ ઈંગ્લેન્ડમાં બોલતું હતું પરંતુ તેમના વધુ વખાણ ભારતમાં જ થતાં હતાં. રણજીતના નામે એક અદ્ભુત કીર્તિમાન છે. અંગ્રેજોની ટીમમાં રમતા આ ભારતીય દિગ્ગજે 22 ઓગસ્ટ 1896ના રોજ એક જ દિવસમાં બે સદી ફટકારવાનું કારનામું કર્યું હતું. તેમણે ઈંગ્લેન્ડના શહેર હોવમાં સસેક્સ તરફથી રમતા યૉર્કશાયર વિરુદ્ધ પહેલી ઈનિંગમાં 100 અને બીજી ઈનિંગમાં 125 રન ફટકાર્યા હતા.