દિપ્તી સાવંત/અમદાવાદ :ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં લોકસભાની ચૂંટણીમાં મોટું રાજકારણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા, તો બે દિવસ પહેલા તેમની બહેન નયના બા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. જેને લઈને ગુજરાતભરમાં ચર્ચાનો દૌર રહ્યો હતો. પરંતુ આ સમાચારમાં રવિન્દ્ર જાડેજા કોને વોટ આપશે તે વધુ ચર્ચામા રહ્યું. તે પત્નીને સાથ આપશે કે બહેનને, આ સવાલના જવાબ પર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટના માધ્યમથી પૂર્ણ વિરામ મૂક્યું છે. રવિન્દ્ર જાડેજાએ બીજેપીના લોગો સાથેની ટ્વિટ કરીને લખ્યું કે, I support BJP. આ સાથે જ તેણે આ તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી અને પત્ની રિવાબાને ટેગ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, પરિવારના રાજકારણમાં પોતે ભાજપને સાથ આપશે તેવા સ્પષ્ટ મત સાથે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાની આ ટ્વિટનો જવાબ પીએમ મોદીએ આપ્યો છે. પીએમ મોદીએ રિટ્વીટ કરીને લખ્યું કે, ‘આભાર @imjadeja! અને 2019 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે અભિનંદન. મારી શુભકામના છે.’



ઉલ્લેખનીય છે કે, કાલાવાડ ખાતે રવિવારે હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં નયના બાએ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. તો તે પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા રવિવારે કૃષિ મંત્રી આર. સી ફળદુની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા હતા. આમ, એક જ પરિવારના બે સદસ્યો રાજકારણમાં વિરોધી બની ગયા છે. એક તરફ ભાભી છે, જે ભાજપના છે, તો નણંદ નયનાબા કોંગ્રેસી બની ગયા છે. ત્યારે જાડેજા પરિવાર દૂધ અને દહી બંનેમાં પગ મૂકતુ જોવા મળ્યું છે. 


અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરાયો છે. તેથી હવે ગુજરાતનો આ ધુંઆધાર ક્રિકેટર વર્લ્ડકપ માટે રમશે.