ઝી મીડિયા/બ્યૂરો :આજના જમાનામાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. મોંઘવારી અને ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા બંનેએ નોકરી કરવી જરૂરી બની ગયુ છે. પરંતુ આવામાં ઘરના બાળકોને કેરટેકરના ભરોસે રાખવા પડે છે. કેરટેકરને બાળકને સોંપીને માતાપિતા બિન્દાસ્ત થઈ જતા હોય છે. પણ કેટલાક કેરટેકર બાળકો માટે રાક્ષસ બની જતા હોય છે. સુરતથી એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેરટેકરે 8 મહિનાના માસુમ બાળકને નિર્દયી રીતે માર્યો હતો. જેને કારણે તેને બ્રેન હેમરેજ થયુ છે. ઘરમા લાગેલા સીસીટીવી કેમેરામાં કેરટેકરની હેવાનિયત કેદ થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં એક શિક્ષક ગર્ભવતી બન્યા બાદ તેમને ટ્વીન્સ પેદા થયા હતા. 8 માસના બે ટ્વીન્સ માટે દંપતીએ કેરટેકર રાખી હતી. તેમનુ એક બાળક અચાનક બેહોશ થઈ ગયુ હતું, જેથી તેઓ તેને સારવાર માટે લઈ ગયા હતા. જ્યા બાળકને માથામાં ઈજા થઈ હોવાનુ ખૂલ્યુ હતું. બાળકને ઈજાથી બ્રેન હેમરેજ થઈ ગયુ હતું. આથી તેમણે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે જોઈને તેઓ ચોંકી ગયા હતા.



બાળકને સાચવવા રાખેલી કેરટેકરે 5 મિનિટ સુધી બાળકને માર મારીને તેના પર અત્યાચાર કર્યો હતો. દંપતીએ સુરતના સીંગણપોરમાં રહેતી કોમલ રવિ ચાંદલેકરને 3 હજારના પગારમાં કેરટેકર તરીકે રાખી હતી. કોમલે એક બાળકને 5 મિનિટ સુધી માર માર્યો હતો. બાળકને પલંગ પર 4 થી 5 વાર પછાડ્યો હતો. બાદમા તેના કાન આમળીને હવામાં ફંગોળ્યો હતો. જેથી બાળક બેહોશ થઈ ગયો હતો. 


કેરટેકરની હેવાનિયત જાણી ગયેલા માતાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરટેકર કોમલ સામે બાળકના હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.


બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કુલમાં નોકરી કરે છે.