મિતેશ માળી/પાદરા :પાદરા તાલુકામાં માતા પિતાએ પોતાની પરિણીત દીકરીને ખાટલે બાંધી દેવાની ઘટના બની છે. મૂળ રાજસ્થાનના પરિવારની પરિણીત મહિલાને પિયર પક્ષે દોરડાથી ખાટલે બાંધી દેવાની ઘટના સામે આવતા જ 181 અભયમની ટીમ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું. દાવાની રકમ જ્યાં સુધી પરિણીત દીકરીના સાસરી પક્ષ પાસે માંગતા સાસરે ન જવા દેવાઈ હતી. પરિણીત મહિલાએ પિયરથી સાસરી જવાની તૈયારી કરતા જ તેને ખાટલે બાંધી દેવાઈ હતી. સમગ્ર મામલો વડું પોલીસ મથક પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય કિસ્સામાં આપણે દહેજની રકમ માંગીને સાસરીયાઓ દ્વારા વહુને ત્રાસ આપવાના કિસ્સા સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહી તો પિયરના લોકો દ્વારા જ પોતાની દીકરી પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે. પાદરામાં રહેતા એક રાજસ્થાની પરિવારે તેમની દીકરીના સુખી સંસારમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 20 હજાર રૂપિયા માટે દીકરીની જિંદગી બરબાદ કરવાનું વિચાર્યુ હતું. કારણ એટલુ જ હતુ કે, દાવા મુજબ સાસરી પક્ષ પાસેથી પિયરના લોકોને 20 હજારની દાવાની રકમ મળી ન હતી, તેથી તેઓએ દીકરીને ઘરે બોલાવીને ખાટલા સાથે બાંધી દીધી હતી. 


આ પણ વાંચો : આ છે પેપર લીકના કૌભાંડીઓ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું


પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા વર્ષો અગાઉ વડોદરાના પાદરા વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની પરિવારની દીકરીના લગ્ન રાજસ્થાનમાં કરાયા હતા. પરિવારે રીતરિવાજ મુજબ દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ લગ્નજીવનમાં મહિલાને બે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. આ બાદ મહિલા પિતાના ઘરે રહેવા આવી હતી. જોકે, માતાપિતાએ તેના બીજા લગ્ન કરાવ્યા હતા. બીજા લગ્ન સમયે દીકરીના સાસરી પાસેથી 20 હજાર રૂપિયા દાવાની રકમ આપવાનો વાયદો કરાયો હતો. આ રકમ માટે દીકરીના પતિએ થોડી મુદત માંગી હતી. પરંતુ જમાઈ તે રકમ આપી શક્યો ન હતો. જેથી પિતાએ દીકરીને પોતાના ઘરમાં પૂરી રાખી હતી. 


તેમણે જમાઈને કહ્યું કે, જો તે દાવાની રકમ પર આપશે તો જ તેઓ દીકરીને પરત મોકલશે. આ વાત જાણીને મહિલાએ પતિ સાથે રહેવા જવાની જીદ પકડી હતી અને પોતાનો સામાન બાંધવાની તૈયારી કરી હતી. જેથી સાસરીવાળાઓએ જમાઈને મારવા લીધો હતો, જેથી તે ત્યાંથી ભાગી ગયો હતો. તો બીજી તરફ, પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી દીધી હતી. તેમણે દીકરીને સાસરી જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. 


પત્નીને તેના માતાપિતાની ચુંગલમાંથી છોડાવવા માટે પતિએ 181 અભયમની મદદ લીધી હતી. જેથી અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર જઈને મહિલાને છોડાવી હતી. સાથે જ પતિપત્નીને પોતાના રક્ષણ માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા સલાહ આપી હતી.