તમે તમારી ગાડી ભાડે આપી હોય તો ખાસ જોજો, સામે આવ્યું રાજ્ય વ્યાપી છેતરપીંડીનું કૌભાંડ
અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પણ આરોપીઓએ ગાડી હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડ લીધી હતી. પરંતુ આરોપીઓએ આ ગાડી અન્ય વ્યક્તિને ગીરવે આપી અને ઉંચી કિંમત મેળવી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં ફોરવ્હીલ ગાડી ભાડે રાખીને તેને ગીરવે મૂકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 1.54 કરોડના કૌભાંડ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલ બન્ને આરોપીઓના નામ હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહ છે. જેમની પર 1.54 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે. આ રાજ્ય વ્યાપી કૌભાંડમાં આરોપીઓએ ફોરવ્હીલ ગાડીઓ ભાડે લઈ બારોબાર અન્ય વ્યક્તિઓને મોટી રકમ મેળવી ગીરવે મૂકી દીધી.
અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પણ આરોપીઓએ ગાડી હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડ લીધી હતી. પરંતુ આરોપીઓએ આ ગાડી અન્ય વ્યક્તિને ગીરવે આપી અને ઉંચી કિંમત મેળવી હતી. જેની જાણ ફરિયાદી વિપુલભાઈને થતા તેમણે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. તપાસ કરતા ફોરવહીલ ગાડીનું કૌભાંડ સામે આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે.
પકડાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી ગાડીઓ ભાડે લઈને ગીરવે આપીને ઠગાઈ કરતા હતા. બંને આરોપીઓને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ હતી. જેથી તેમને છેતરપીંડીનો ધંધો શરૂ કર્યો. આ આરોપીઓ સૌ પ્રથમ ગાડીઓના માલિકનો સંપર્ક કરતા હતા. તેમની સાથે પરિચય કેળવીને વિશ્વાસમાં લઈને તેઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડી માલિકોને ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપીને ગાડીના માલિકને વિશ્વાસમાં લેતા હતા.
થોડા સમય માટે તેઓ નિયમિત ભાડું ચૂકવતા હતા અને ત્યારબાદ ગાડી બારોબાર અન્ય વ્યક્તિને ગિરવે આપીને ઊંચી કિંમત મેળવી લઈ ફરાર થઈ જતા હતા. આ પ્રકારે અસંખ્ય ગાડીઓના માલિકને ટાર્ગેટ કરીને રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચર્યું હતું.
ગાડીઓને ગીરવે આપવાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપી હર્ષદ પરમાર અને પાર્થ શાહની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube