તેજશ મોદી, સુરત: ઘરના જ લોકો જો ચોર હોય તો તાળું મારવા ક્યાં જવું, તેવો ઘાટ સુરતમાં હીરાના વેપારી સાથે થયો છે. સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી કરવાની ઘટના બનવા પામી છે. રૂા.24 લાખના હીરાની ચોરી કરનાર પરિવારના સભ્યને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. મહત્વનું છે કે પોતાનો ચહેરો ઓળખાઇ નહીં તે માટે વગર વરસાદે છત્રી લઇને અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને ચાવીથી મુખ્ય દરવાજો ખોલીને અંદરનું ડ્રોઅર કાપ્યા બાદ ચોરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછા અબ્રામા રોડ અમુત રેસીડેન્સી ખાતે રહેતા ભૌમિક પરબત સોજીત્રા વરાછા મીનીબજાર ચોક્સી બજારમાં હીરાની ઓફિસ ધરાવે છે. બે દિવસ પહેલા તેની ઓફિસમાં કોઇ અજાણ્યો આવ્યો હતો. આ યુવક છત્રી લઇને આવ્યો હતો અને ઓફિસ ખોલીને અંદરથી ડ્રોઅર કાપી નાંખ્યું હતું, ત્યારબાદ ઓફિસમાંથી રૂા. 24.12 લાખની કિંમતના 122 કેરેટ હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બાબતે તાત્કાલિક ભૌમિકભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 


દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચનના પીએસઆઇ ડોડીયાની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે કાપોદ્રાના કાપોદ્રા રચના સર્કલ પાસેથી વિજયકુમાર મુકેશભાઇ ધડુકને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂા.24.12 લાખના હીરા પકડી પડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અને પૂછપરછ કરતા પોલીસની પુછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, વિજય ફરિયાદી ભૌમિકના માસીનો પુત્ર થાય છે. જે સાંભળીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણ કે પોતાના જ સગા સંબંધીના કારખાનાની અંદર ચોરી કરી હતી. 


બાદમાં વધુ પૂછપરછમાં ચાર મહિના પહેલા વિજયને કાપડના વેપારમાં મોટુ નુકસાન થયું હતું. ત્યારબાદ તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો અને હીરા શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો. વિજય પિતરાઇ ભાઇ થતો હોવાથી ભૌમિકે કારખાનાની એક ચાવી વિજયને આપી હતી. ભૌમિકના કારખાનામાં લાખો રૂપિયાના હીરા પડ્યા હોવાથી વિજયએ દેવું ભરપાઇ કરવા માટે ભૌમિકની ઓફિસને નિશાન બનાવીને ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલીને મુખ્ય ઓફિસનું ડ્રોઅર ખોલી તેમાંથી હીરા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. 


પોલીસે વિજયની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપી દીધો હતો. જેથી વિજય પોતાનો ચહેરો ઓળખાઈ ન જાય તે માટે વગર વરસાદે પણ છત્રી લઈને આવ્યો હતો. અને પોતાને આડે છત્રી રાખી ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી ઓફીસ થી 24 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો.