ઉદય રંજન, અમદાવાદઃ બોટાદ ડબલ મર્ડર કેસ અને યુપીના ઈનામી આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના કોન્સ્ટેબલ આરોપીના ફલેટમાં ત્યાં નોકરીએ રહ્યાં હતા. સફાઈકામદાર અને સિક્યુરિટી ગાર્ડનું કામ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી મનિષ સિંગને વર્ષ 2019થી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શોધી રહી હતી. આ ક્રાઇમની કહાનીની શરૂવાત અમદાવાદના માણેકચોક ખાતેથી શરુ થઇ હતી. દિવાળીનો દિવસ હતો સોના ચાંદીના વેપારીઓ ધનતેરસના દિવસે ધનની પુજા કરી રહ્યા હતા. ત્યારે એક સોનીની દુકાનમાંથી 23 લાખના સોનાની ચોરી થાય છે. પહેલા સ્થાનિક પોલીસ તપાસ સંભાળે છે. સ્થાનિક પોલીસની સાથે કાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ પોતાની રીત તપાસ શરૂ કરે છે.  કાઈમ બ્રાન્ચ પોતાની કામ કરવાની આદતને કારણે બારીક બારીક ઘટના તપાસી રહી હતી ત્યારે તેમને એક મોટર સાયકલનો નંબર હાથ લાગે છે. આ મોટર સાયકલ સવારની અવરજવર ત્યાં હતી. મોટર સાયકલના નંબરના આધારે તપાસ આગળ વધે છે તો જાણકારી મળે કે આ મોટર સાયકલ તો શીવલાલ યાદવની છે. જેનો મોટો ફાઈનાન્સનો ધંધો છે.


ચોરીના કેસમાં શીવલાલ યાદવની શોધ કરતા તેનો કોઈ પત્તો લાગતો નથી. ત્યારે જાણકારી મળી કે શીવલાલની ફાઈનાન્સની સી જી રોડ ઉપર ઓફિસ છે.  ક્રાઈમ બ્રાન્ચ સીજી રોડની ઓફિસ ઉપર પહોંચે છે પણ તે મળતો નથી. પરંતુ એક મોબાઈલ નંબર મળે તેની ઉપર સંપર્ક કરતા જાણકારી મળી કે શીવલાલ અમદાવાદના ચાંદખેડામાં એક મકાન ભાડે રાખી રહે છે. ક્રાઈમ બ્રાન્ચ ચાંદખેડા પહોંચે છે ત્યાં જતાં ખબર પડે છે કે એક દિવસ પહેલા શીવલાલ મકાન ખાલી જતો રહ્યો છે. પોલીસની તપાસ ત્યાં અટકી જાય છે , પણ મહેનત ચાલુ છે. આ દરર્મિયાન પોલીસને એક ટ્રાન્સપોર્ટ કંપનીની જાણકારી મળે છે. જેમાં શીવલાલનો સામાન ગયો હતો. પોલીસ ટ્રાન્ટપોર્ટરને ત્યાં પહોંચે છે, ત્યાંથી માહિતી મળી કે સામાન મુંબઈના નાલાસોપારા ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ પહોંચે છે. જે સરનામુ મળ્યું ત્યાં એક સ્ત્રી મળે છે,  શીવલાલની પત્ની હતી. પણ તેમના વચ્ચે લાંબા સમયથી કંકાસ ચાલતો હોવાને કારણે તેણે શીવલાલથી છુટાછેડા લઈ લીધા હતા.


આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી કરશે જન આર્શીવાદ યાત્રા 


તે પોલીસને ખાતરી આપે છે કે શીવલાલની કોઈ માહિતી મળે તો કાઈમ બ્રાન્ચને જરૂર જાણ કરશે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ ફરી અટકે છે. છતાં સમયાંતરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈ જાય છે પણ પ્રત્યેક વખતે શીવલાલની પૂર્વ પત્ની જ પોલીસને મળે છે. શીવલાલ યાદવ કયાં ગયો તેનો કોઈ પત્તો લાગતો નથી. જાણે તેને જમીન ગળી ગઈ હોય તેવુ લાગી રહ્યું હતું. સમય ખાસ્સો વિતી ગયો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બદલાઈ ગયા હતા. પણ શીવલાલ યાદવ વોન્ટેડ કેસની ફાઈલ ખુલ્લી ગઈ હતી. એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પ્રેમવિર સિંહ, DCP  ચૌતન્ય માંડલીક અને ACP તરીકે ડી પી ચુડાસમાં આવ્યા તેમણે જુના પડતર કેસોના કાગળો જોયા ફરી એક વખત શીવલાલ યાદવનો કેસ સામે આવ્યો હતો. તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ પટેલને બોલાવી આ બાબતની તપાસ તેજ કરવા સુચના આપી ફરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી.


આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચનો એક કોન્સટેબલે ડીસીપી માંડલીક પાસે નવી માહિતી લઈ આવ્યો તેણે જાણકારી આપી કે અમદાવાદમાં 2016-2019 સુધી ફાઈનાન્સર તરીકે ધંધો કરતો શીવલાલ યાદવ જેને આપણે શોધીએ છીએ તેનું સાચું નામ શીવલાલ યાદવ નથી તેનું સાચુ નામુ મનિષ સિંગ છે. ડીસીપી માંડલીકે પોતાના ટેકનીકલ ટીમને બોલાવી અને મનિષ સિંગ નામના આરોપીનો રેકોર્ડ હોય તો લઈ આવવાની સુચના આપી, પણ જેવો રેકોર્ડ સામે આવ્યો અધિકારીઓની આંખો ચાર થઈ ગઈ કારણ મનિષ સિંગ સુભાષસિંગ ઠાકુર ગેંગનો સભ્ય હતો. તેણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ 19 ગુનાઓને અંજામ આપ્યો હતો.  મનિષ સિંગ  પર  ઉપર ઉત્તરપ્રદેશમાં પચાસ હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  મનિષ સિંગો મુંબઈમાં  મોતને ઘાટ ઉતારી લાખો રૂપિયાની ખંડણી ઉધરાવી હતી. ઉત્તર પ્રદેશ , મુંબઈ અને ગુજરાત પોલીસ  મનિષ સિંગને  શોધી રહી હતી. 2014માં  મનિષ સિંગો બોટાદના એક પેટ્રોલપંપ ઉપર ગોળીબાર કરી બે વ્યકિતઓની હત્યા કરી હતી અને ફરાર થાય ચુક્યો હતો. 


ક્રાઈમ બ્રાન્ચે બોટાદ પોલીસ પાસેથી હત્યા વખતના સીસી ટીવી ફુટેઝ મંગાવ્યા હતા. પોતાના બાતમીદારોને બોલાવી કુટેઝ બતાડયા એક બાતમીદારે કહ્યું આ તો રાજુ છે. રાજુ કોણ તેવો પ્રશ્ન પુછાયો ત્યારે તેણે કહ્યું મનિષ સિંગ છે. આમ ક્રાઇમ બ્રાન્ચ શીવલાલ યાદવને હળવાશથી લઈ લઈ રહી હતી તે તો ખુંખાર હતો તેણે મુંબઈના એક બાર માલિકની પણ જાહેરમાં હત્યા કરી હતી. મનિષ પકડવા ત્યારે તત્કાલીન એડીશનલ કમિશનર રાકેશ મારીયા પણ તેની પાછળ પડયા હતા. પણ તે ભાગી છુટ્ટવામાં સફળ રહ્યો હતો. તે ઉત્તર પ્રદેશ પોલીસના જાપ્તામાંથી પણ ભાગી છુટયો હતો. આમ 2014માં ગુજરાતમાં ડબલ મર્ડર કર્યા પછી તેણે 2016માં શીવલાલ યાદવ નું ખોટું નામ ધારણ કરી અમદાવાદમાં રહેવાની શરૂઆત કરી હતી અને ફાયનાન્સનો ધંધો શરુ કરી દીધો હતો .


આ પણ વાંચોઃ વડોદરા બળાત્કાર કેસઃ આરોપી કાનજી મોકરીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર


અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચેતન્ય માંડલીકે મુંબઈ ખાતેના  પોતાના સંપર્કોને જાગૃત કર્યા થોડાક જ સમયમાં જવાબ આવ્યો કે મનિષ સિંગ નાલાસોપારા પોતાના ફલેટ ઉપર આવે છે. પણ કયારે આવે કયારે જાય તે  સમય નક્કી હોતો નથી. એટલે મનીષસિંગને પકડવો ક્રાઇમ બ્રાંચ માટે થોડો મુશ્કેલ હતો. સુભાષસિંગ ગેંગની ત્રણ ખાસીયત હતી એક તો તેની ગેંગના સભ્યએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. બીજુ પોતાનું સાચું નામ કયારેય કોઈને કહેવું નહીં અને ત્રીજુ પોતાનું ઘર કોઈને પણ બતાડવું નહીં. આ ત્રણ ખાસીયતને કારણે મનિષ સિંગ ઉર્ફે શીવલાલ યાદવ પોલીસની પકડથી દૂર હતો. પણ હવે ક્રાઇમ બ્રાંચની ટીમ તૈયાર થઇ ચુકી હતી.  PSI જે બી બુધેલીયા, હેડ કોન્સબલ મહાવિરસિંહ અને કિશોર ગઢવી મુંબઈ જવા માટે  ૨વાના થયા હતા. પણ મનિષ કયારે આવશે તેની ખબર નહોતી. સતત વોચમાં રાખવામાં આવે તો શાતીર મનિષ પોલીસની મુવમેન્ટ ઓળખી જાય તેમ હતો. મુંબઈ પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ નવી ઓળખ ધારણ કરી મનિષના એપાર્ટમેન્ટમાં વોચમેન અને સફાઈ કામદારની નોકરી મેળવી લીધી.


અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ માટે આ કામ મુશ્કેલ હતું. પણ દિવસો પસાર થવા લાગ્યા પણ મનિષ આવ્યો નહીં. વોચમેન અને સફાઈ કામદારની નોકરી કરતી પોલીસ થાકી ગઈ હતી. 14  દિવસ થઈ ગયા હતા. ટીમે ડીસીપી ચૈતન્ય માંડલીક ને ફોન કર્યો , કહ્યું સાહેબ ઈન્ફરમેશન સાચી લાગતી નથી અને પાછા ફરીએ માંડલીકે કહ્યું આટલા દિવસ રાહ જોઈ છે તો થોડા દિવસ વધુ રાહ જુવો. ટીમ રોકાઈ ગઈ અને શ્રાધ્ધ પક્ષ ચાલતુ હોવાને કારણે મનિષ પોતાના પિતાનું શ્રાધ્ધ કરવા ધરે આવ્યો. ત્યાં વોચમેનના રૂપમાં હાજર પોલીસ જવાને તેને ઓળખી લીધો. બાકીની ટીમને એલર્ટ કરી અને મનિષ પોતાના ઘરમાં હતો ત્યાં જ તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી. આમ શીવલાલને શોધવા નિકળેલી ક્રાઈમ બ્રાન્ચને હાથે ઉત્તરપ્રદેશનો ખૂંખાર આરોપી મનીષ સિંગ ત્રણ વર્ષો બાદ અને 19 ગુનામાં વોન્ટેડ મનિષ સિંગ હાથ લાગ્યો હતો. મનીષ સિંગની પૂછપરછમાં એ પણ સામે આવ્યું હતું કે ઉત્તરપ્રદેશ પોલીસ તેનું એન્કાઉન્ટર કરી દેશે એ ડરથી ગુજરાતને રહેવા માટે પસંદ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube