માતમમાં ફેરવાઈ તહેવારની ખુશી! લોકો વીડિયો ઉતારતા રહ્યાં અને સાબરમતીમાં ગરકાવ થઈ ગયા ત્રણ લોકો
ભૂમાફિયાઓ દ્વારા નદીમાં ઠેર ઠેર મોતના કૂવા સમાન ઊંડા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. ત્યારે ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે. જેનાં કારણે લોકોને નદીમાં ઊંડા ખાડાનો ખ્યાલ આવતો નથી અને લોકો નદીમાં ગરકાવ થઈ જાય છે.
- ગાંધીનગરમાં સાબરમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા
- સેક્ટર 30માંથી પસાર થતી સાબરમતી નદીની ઘટના
- દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા લોકો ડૂબ્યા
- પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ લોકોના મૃત્યુની પુષ્ટિ
- ફાયર બ્રિગેડ ડૂબેલા લોકોની કરી રહ્યું છે તપાસ
હિતલ પારેખ, ગાંધીનગરઃ આજની સવાર ગોજારા સમાચાર લઈને આવી. નદીમાં ઉતરેલાં ત્રણ લોકો જોત જોતામાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. આ ઘટના બની છે ગાંધીનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં. જ્યાં એક બાદ એક લાશો બહાર કાઢવામાં આવી. પાણી ઊંડું નહીં હોઈ એવુ માનીને લોકો પાણીમાં ઉતર્યા અને પાણીમાં ગરકાવ થઈ ગયા.
પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ દશામાંના વ્રત ચાલી રહ્યાં હતા. વ્રત પુરા થતાં દશા માતાની મૂર્તિ પધરાવવા લોકો સાબરમતી આવતા હોય છે. ત્યારે અમદાવાદ બધા મૂર્તિ પધરાવવા ગાંધીનગરના સેક્ટર - 30 નજીક સાબરમતી નદીના કિનારે આવ્યા હતા. મૂર્તિ પધરાવવા આવેલી એક કિશોરી પણ પાણી ઉંડી નહીં હોવાનું માનીને નદીમાં ઉતરી હતી. ત્યાં ઘણાં લોકો ઉંધા માથે પાણીમાં ધુબાકા મારતા હતા. તેમજ બીજા લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. કિશોરી અચાનક ડુબવા લાગી ત્યારે ત્યાં હાજર ત્રણથી ચાર લોકો તેને બચાવવા માટે પાણીમાં કુદી પડ્યાં. જોકે, તેને બચાવવા જતા તેની સાથે બીજા બે લોકો પણ ઉંડા પાણીમાં ડુબી ગયા.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. શોધ ખોળ કરીને ત્રણ મૃત દેહ નદીની બહાર કાઢવામાં આવ્યાં હતાં. હાલ સમગ્ર ઘટનાને લઈને પંચનામું કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભૂમાફિયાઓએ નદીમાં ખોદયાં છે મોતના ખાડાઃ
સામાન્ય રીતે સાબરમતી નદીનો મોટા ભાગનો પટ કોરો ધાકોર રહેતો હોય છે. ચોમાસાના દિવસોને બાદ કરતા અહીં ભૂમાફિયાઓ કરોડો રૂપિયાની રેતી ચોરીને લઈ જતા હોય છે. અહીં નદીમાં ઉંડા ખાડા કરીને ભૂમાફિયાઓ રોજનું હજ્જારો ટન રેતીનું ખનન કરે છે. આમા મોટા માથાઓ પણ સામેલ હોવાથી કોઈ એમનું નામ લેતું નથી. ભૂમાફિયાઓ દ્વારા નદીમાં ઠેર ઠેર મોતના કૂવા સમાન ઊંડા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. ત્યારે ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે. જેનાં કારણે લોકોને નદીમાં ઊંડા ખાડાનો ખ્યાલ આવતો નથી અને લોકો નદીમાં ગરકાવ થઈ જાય છે. અમદાવાદનાં લોકો પણ ઊંડુ પાણી ન હોવાના કારણે નદીમાં ઉતર્યા હતા અને કરુણાંતિકા સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
માતમમાં ફેરવાઈ ગઈ તહેવારની ખુશી-
દશામાનો તહેવાર બાદ આગામી દિવસોમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ત્રણ લોકોના મોત થતાં જ તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા (અમરાઈવાડી), ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. લાશોને હાલ પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાઈ છે.