ઝી બ્યૂરો, અમદાવાદઃ પીએમ મોદીએ અમેરિકા પ્રવાસ પર જઈને ગુજરાત અને ગુજરાતીઓને મોટી ભેટ આપી છે. ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત કરવાની નેમ સાથે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડો બાયડેનના આમંત્રણ પર વ્હાઈટ હાઉસની મહેમાનગતિ માણી. આ સાથે જ તેમણે ગુજરાતીઓ અમેરિકા આવવામાં થતી અગવડતા દૂર કરવા માટે એક મહત્ત્વની જાહેરાત કરી. પીએમ મોદીએ જાહેરાત કરી હતીકે, હવે ગુજરાતીઓએ વિઝા મેળવવા માટે મુંબઈ-દિલ્લીના ધક્કા ખાવાની જરૂર નથી. તેમને ઘરઆંગણે આ પ્રકારની સુવિધા મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંતર્ગત અમેરિકાની કોન્સ્યુલેટ કચેરી ગુજરાતમાં સ્થાપવાની તૈયારીઓ કરાઈ રહી છે. અમેરિકન કોન્સ્યુલેટની આ ઓફિસ રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ખૂલે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા જવાના સપનાં જોતાં વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટને હવે વિઝા લેવા માટે હવે બીજા રાજ્યોમાં ધક્કા નહીં ખાવા પડે. યુએસ કોન્સ્યુલેટ કચેરી ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (Gift) ગીફ્ટ સિટીમાં ખૂલે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે સ્થળ તપાસને અંતે સરકારના પરામર્શમાં રહીને યુએસના પ્રતિનિધિઓ આ અંગે આખરી નિર્ણય કરશે.


ગિફ્ટ સિટીમાં બનશે અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસ-
ગુજરાતી પરિવારોને હવે અમેરિકાના વિઝા મેળવવા માટે રાજ્ય બહાર જવું પડશે નહીં. અમેરિકાના વિઝા લેવા માટે બાયોમેટ્રીક માટે એક દિવસ અને ઇન્ટરવ્યુ માટે બીજો દિવસ ફાળવવામાં આવે છે. ટુરિસ્ટ તરીકે અમેરિકા જવા માગતા નાગરિકો તેમજ અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓને હવે ઘરઆંગણે આ સુવિધા મળતી થશે. ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ કોન્સ્યુલેટ કચેરી ગિફ્ટ સિટીમાં આવે તેવી પુરેપુરી સંભાવના છે, કે જેનાથી ગિફ્ટ સિટીને વધુ બળ મળશે .


અમદાવાદ કે ગાંધીનગર આસપાસ યુએસ કોન્સ્યુલેટની ઓફિસ માટે ક્યાં જગ્યા લેવી તેની શોધખોળ ચાલી રહી છે. સચિવાલયના સૂત્રો કહે છે કે આ કચેરીને ગિફ્ટ સિટીના કેમ્પસમાં ખોલવામાં આવે તેવી શક્યતા વધુ જણાઇ રહી છે. ટૂંક સમયમાં યુએસ કોન્સ્યુલેટના પ્રતિનિધિઓની એક ટીમ ગુજરાતના પ્રવાસે આવી રહી છે. તેઓ સ્થળ તપાસના અંતે નિર્ણય કરશે. જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં અમેરિકા અને અન્ય દેશોની બેન્ક તેમજ ફાયનાન્સિયલ શાખાઓ ખૂલી હોવાથી આ જગ્યાએ કોન્સ્યુલેટ કચેરી બને તે હિતાવહ છે. જો કે હજી સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.