અમદાવાદઃ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC) દ્વારા કરવામાં આવેલી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રૂ.1 લાખ લઈને લોકોને નોકરીનાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા હોવાની વીડિયોમાં બે શખ્સોની વાતચીતમાં સાંભળવા મળી રહ્યું છે. વીડિયોમાં ફોન કોલ કરનારી વ્યક્તિએ પણ પોતે નોકરી મેળવવાને ગેરલાયક હોવા છતાં અને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હોવા છતાં રૂ.1 લાખ આપીનો નોકરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો અંગે સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવે એવી લોકોની માગણી જાણવા મળી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની ખાતરી થઈ શકી નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયેલા વીડિયો મુજબ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ફોન કોલ કરીને સૌ પ્રથમ પુછે કે તમે ડ્યુટી પર છો કે પછી ઘરે? ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે. પેલા ભાઈ બીજા ભાઈને ખુશખબરી આપતા જણાવે છે કે, મને આજે એસટીની સુરત ડીવિઝન ઓફિસમાં હાજર થવાનો ઓર્ડર મળી ગયો છે અને હવે હું એક-બે દિવસમાં હાજર થઈ જઈશ. આ ભાઈની આવી ખુશખબરી સાંભળીને સામેની વ્યક્તિ ચોંકી જાય છે. 


સામેની વ્યક્તિ પુછે છે કે તમે તો નાપાસ થયા હતા, પછી કેવી રીતે નોકરીનો ઓર્ડર આવી ગયો? પેલા ભાઈ જવાબ આપે છે કે, મારા માર્ક તો 32 જ હતા, પરંતુ સેટિંગ કરીને નોકરી મેળવી લીધે છે. મારા એક જગ્યાએ સંપર્ક હતા ત્યાં રૂ.1 લાખ આપીને નોકરીનો ઓર્ડર કરાવ્યો છે. સામેની વ્યક્તિ કહે છે કે જો રૂ.1 લાખમાં નોકરી મળતી હોય તો મારું સેટિંગ કરાવોને. પેલા ભાઈ જવાબ આપે છે કે, મારે તો ડાયરેક્ટ જે ભરતી કરતા હોય તેની સાથે સેટિંગ કરીને નોકરી લીધી છે. 


ભાઈ પુછે છે કે તમારે કેટલા માર્ક આવ્યા હતા. સામેની વ્યક્તિ જવાબ આપે છે કે, મારે તો 48 માર્ક આવ્યા હતા તો પણ કોઈ ઓર્ડર મળ્યો નથી. ત્યારે પેલા ભાઈ કહે છે કે, આ વખતે 50 ટકા સેટિંગ થયું છે. 50 ટકા ઓર્ડર સેટિંગવાળી વ્યક્તિઓને જ આપવામાં આવ્યા છે. બાકીના કાયદેસરના ઉમેદવાર છે. સામેની વ્યક્તિ જ્યારે ફરીથી દબાણ કરે છે ત્યારે પેલા ભાઈ એમ કહે છે કે, આ વખતે ઘણા બધા લોકો નોકરીમાં હાજર થયા નથી, તેમની જગ્યાએ આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરીને ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. મારી સાથે બીજા 10 વ્યક્તિને સુરત ડિવિઝનના ઓર્ડર આપવામાં આવ્યા છે. બે દિવસમાં હાજર થઈ જવા જણાવાયું છે. 


વાયરલ થયેલા આ વીડિયોથી એ જાણી શકાય છે કે, રાજ્યમાં બેરોજગારી કેટલી બધી છે. યુવાનો કોઈ પણ ભોગે અને કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી કરવા તૈયાર છે. હોંશિયાર અને લાયક ઉમેદવારો બાજુ પર રહી જાય છે અને ગેરલાયક ઉમેદવાર અથવા તો નાપાસ થયેલા ઉમેદવારો સેટિંગ કરીને પૈસા ખવડાવીને સરકારી નોકરી મેળવી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હોવાથી તેની કોઈ ખરાઈ કરી શકાઈ નથી. સાઈબર ક્રાઈમ જ આ અંગેની ખરાઈ કરી શકે કે, આ વીડિયોમાં કઈ ભરતીની વાત કરવામાં આવી રહી છે અને ક્યાંથી આ વીડિયો વાયરલ થયો છે.