અનોખો સંદેશ આપવા સાઇકલ પર નીકળ્યો યુવાન ખેડૂત, 21 રાજ્યોના 400 જિલ્લાઓમાં કર્યું ભ્રમણ
ઉત્તર પ્રદેશના ઇટાવાથી યુવાન ખેડૂત પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ લઈને નીકળ્યો છે. જે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે આવી પહોચ્યો હતો.
ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: ઉત્તર પ્રદેશના ઇટાવાથી યુવાન ખેડૂત પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ લઈને નીકળ્યો છે. જે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે આવી પહોચ્યો હતો. તેમનું જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ સહિત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ઉમદા ઉદ્દેશની સરાહના કરી સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
21 રાજ્યોના 400 જિલ્લાઓમાં કર્યું ભ્રમણ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યુવાનના વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ તે મહીસાગર જિલ્લામાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા તરફ જવા રવાના થયો હતો. પર્યાવરણીય સંરક્ષણ જાગૃતિ અભિયાન માટે સાયકલ લઈને નીકળેલ રોબીનસિંહે જણાવ્યું હતું કે તે તમિલનાડુના કન્યાકુમારીથી સાયકલ લઈને 6 ઓક્ટોબર વર્ષ 2022એ નીકળ્યો હતો. 400 જિલ્લાઓના મુખ્ય મથકે જઈ આજે 415 દિવસ થયા છે. ગુજરાતના મહીસાગર જીલ્લાના લુણાવાડામાં આવતા અંદાજીત 24 હજાર કિ.મીથી વધુની યાત્રા પૂર્ણ થઇ છે.
પર્યાવરણ સંરક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો કર્યું આહ્વાન
વધુમાં તેણે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંગે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો જરુરી છે તેનું પ્રદૂષણ પર્યાવરણ માટે ખૂબ જ નુકશાનકારક છે. આ પ્લાસ્ટિક પશુઓ ખાય છે. જમીનમાં પાણીનું ઉતરતું રોકે છે. નદીઓ અને નાળાનું પાણી પણ પ્રદૂષિત કરે છે. અંદાજીત દોઢ વર્ષથી વધુ સમયમાં તેની આ સાયકલ યાત્રા મધ્યપ્રદેશના ભોપાલ સમાપન થશે.