રજની કોટેચા/ઉના :ગઈકાલે સોમનાથ (gir somnath) ના નવા બંદરમાં મિની વાવાઝોડા (cyclone jawad) ની સ્થિતિમાં 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી. દરિયામાં ઉઠેલા કરંટ અને ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થયા હતા. જેને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયામાં કરંટ ઉઠતા બોટ ડૂબી 
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 તારીખથી તમામ બોટ બંદર પર લાંગરેલી હતી. પરંતુ ગત રાત્રે 12 વાગ્યા બાદ દરિયામાં ભારે પવન અને કરંટ હતો. આ કરંટને કારણે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. જેમાં સવાર 8 ખલાસી લાપતા થયા હતા. જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ હતું. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ છે. હજી પણ 6 માછીમારો લાપતા છે. હેલિકોપ્ટરથી દરિયામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. Ndrf, નેવી, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા શોધખોળ કામગીરી ચાલુ છે.



ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. સાથે જ બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે  કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી હતી.