• રાજુલાના તવક્કલ નગરમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા

  • રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું

  • રાજુલાની હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ. હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા


કેતન બગડા/અમરેલી :તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામા વાવાઝોડા (gujratcyclone) એ તબાહી સર્જી છે. રાજુલા ખંભા અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેરઠેર વિનાશ સર્જાયો છે. આ
વિનાશમાં એક બાળકીનો ભોગ લેવાયો છે. રાજુલામાં દીવાલ ધરાશાયી થયા એક બાળકીનુ મોત નિપજ્યું છે.


આ પણ વાંચો : વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવાલ તૂટતા પરિવારના ચાર સભ્યો દટાયા હતા
રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના ઘટી હતી. રાજુલાના તવક્કલ નગરમાં મોડી રાત્રે વાવાઝોડા (Cyclone Tauktae) ના કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. પરિવારના મોભી અને સ્થાનિકોએ દરવાજો તોડીને ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. જેમાં પતિ-પત્ની અને એક બાળકી બચાવી લેવાઈ હતી. જ્યારે એક બાળકીનું મોત થયું છે.


રાજુલામા 5 પેટ્રોલ પંપને ભારે નુકસાન
તો બીજી તરફ, રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશાયી થતા ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું છે. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલ પંપમાં પણ નુકસાન થયું છે. તો સાથે જ હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા છે. 


આ પણ વાંચો : વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો  


રાજુલાની હોટલોને પણ નુકસાન 
રાજુલા માર્કેટિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. યાર્ડના છાપરા અને વૃક્ષો તૂટી પડ્યા છે. ખેડૂતોના માલને વ્યાપક નુકસાન થયું છે. હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરના તમામ માર્ગો વૃક્ષો ધરાશાયી થવાના કારણે બંધ કરાયા છે. સમગ્ર શહેરના પીજીવીસીએલના વીજપોલ ધરાશાયી થયાની ઘટના બની છે. રાજુલાના ગોકુલનગર વિસ્તારમાં હિંડોરણા રોડ પર પાર્કિંગ કરેલી કારો પર વૃક્ષો ધરાશયી થતા તેને મોટુ નુકસાન થયું છે. 


જૂનાગઢમાં પણ વાવાઝોડાને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે. બીલખાથી અમરેલીનો રસ્તો બંધ થય છે. સવારે 6 વાગ્યાથી અમરેલી સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. નવાગામમાં પેટ્રોલ પંપ પણ ધરશાયી છે. જુનાગઢ-સાસણ રોડ પર અનેક મહાકાય વૃક્ષો પડતા રસ્તો બંધ થયો છે. અમરેલી જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર છે.