Cyclone Tauktae: વાવાઝોડાની ગતિ ધીમી પડી, હવે રાજસ્થાન તરફ આગળ વધશે, જાણો તમામ માહિતી
રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (tauktae cyclone) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન પહોંચવાનું છે. વાવાઝોડું ધીમું પડવાને કારણે પવનની ગતિ પણ ઓછી થઈ ગઈ છે. હવે હવામાન વિભાગ દ્વારા આગાગી કરવામાં આવી છે કે ઉદેપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ થવાનો છે. તો અહેવાલ મળી રહ્યાં છે કે પીએમ મોદી આવતીકાલે ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવા આવી શકે છે.
રાજ્યમાં 13 લોકોના મૃત્યુ
રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે.
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ
રાજ્યમાં અનેક જગ્યાએ લાઇટના થાંભલા પણ તૂટી ગયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે તમાં થાંભલા બદલવામાં આવશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 425 કોવિડ હોસ્પિટલમાંથી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી છે. જેમાંથી 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે. રાજ્યમાં 674 રસ્તાઓ બંધ થયા હતા તેમાંથી 562 શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય રસ્તા ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉમરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટે કામગીરી કરશે.
સહાય પર બોલ્યા સીએમ
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાનવ થયું છે. ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવસે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.
રાજ્યમાં અનેક જગ્યાએ થયું નુકસાન
તૌકતે વાવાઝોડાએ (Tauktae Cyclone) રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવા, મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે.
બુધવારે બંધ રહેશે રસીકરણની કામગીરી
ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ (Tauktae Cyclone) સમગ્ર રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. જો કે, તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા બે દિવસ વેક્સીનેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની (Vaccination) કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube