ગરીબ નેતાની દર્દભરી કહાની, ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય
Gujarat Elections 2022 : ચૂંટણીના ઉમેદવારોની હાલ કરોડોની મિલકત ચર્ચામાં છે, ત્યારે ગુજરાતમાં એક એવા ધારાસભ્ય પણ છે જેઓ ગાંધીવાદી વિચારધારામાં માને છે અને ગરીબીમાં જીવન વ્યથિત કરી રહ્યાં છે
Gujarat Elections 2022 હરિન ચાલીહા/દાહોદ : કોઈપણ નેતા એક ટર્મ માટે પણ ધારાસભ્ય બની જાય તો એ નક્કી છેકે ધારાસભ્યની સંપત્તિમાં મોટો ઉછાળો આવે છે.. અથવા તો એ ધારાસભ્યનો રુઆબ અને જીવનશૈલી એક વારમાં જ બદલી જાય છે.. પરંતુ આજે તમને એક એવા નેતાની વાત કરવી છે જે બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા બાદ પણ આજે ગરીબીનું જીવન જીવે છે, ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને નળિયાવાળા કાચા મકાનમાં રહે છે. સત્તાથી ગરીબી સુધીની તેમની કહાની તમને સ્પર્શી જાય તેવી છે.
આ દ્રશ્યો જોઈને જરૂરથી તમને અજુગતુ લાગતું હશે. વિચાર આવતો હશે કે આખરે આ વૃદ્ધ છે કોણ..? તૂટી ગયેલું જૂનું મકાન.. ઉખડી ગયેલા ઘરના નળિયા..!! તમે જરૂરથી એ જાણવા માગતા હશો કે આખરે આ વૃદ્ધ કોણ છે..? હકીકતમાં આ વૃદ્ધ છે ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય. જી હાં, જૂના-કાચા મકાનમાં રહેતા અને ખેતીકામ કરતા આ વૃદ્ધ છે દાહોદની લીમખેડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વીરસિંહભાઈ મોહનિયા.
પૂર્વ ધારાસભ્ય વીરસિંહભાઈ 3 પુત્રોના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને સરકાર તરફથી કોઈ પેન્શન કે કોઈ યોજનાનો લાભ મળતો નથી.
વીરસિંહભાઈ મોહનિયા લીમખેડા તાલુકાના અંતરિયાળ ખીરખાઈ ગામમાં રહે છે. 91 વર્ષની ઉંમરે પણ તેઓ જાતે ખેતીકામ કરે છે. ત્રણ સંતાનોના પરિવાર અને પોતાના ભાઈ સાથે રહેતા વીરસિંહભાઈ ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. તેથી તેઓએ ક્યારેય કોઈની પાસે મદદના હાથ ફેલાવ્યા નથી.
હાલની રાજનીતિમાં ધારાસભ્યોના ઠાઠ અને પક્ષ પલટામાં રૂપિયાની લેતી દેતાના આરોપથી વીરસિંહભાઈ વ્યથિત છે. પહેલાંની રાજનીતિનો ઉલ્લેખ કરતાની સાથે જ તેઓએ કહ્યું કે, પહેલાંના સમયમાં શુદ્ધ રાજનીતિ થતી. જ્યારે અત્યારે ટિકિટ વહેંચણી માટે પણ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ લાગે છે.
વીરસિંહભાઈની આ પરિસ્થિત દયનીય જરૂર છે. પરંતુ સાથે સાથે એવા ધારાસભ્યો અને નેતાઓ માટે પ્રેરણારૂપ પણ છે જેઓ નાગરિકો માટે કંઈક કરવા માટે ઈચ્છતા હોય. ત્યારે વીરસિંહભાઈના પુત્રો પણ સરકારી સહાય માટે અપીલ કરી રહ્યા છે જેથી તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે.