ઝી બ્યુરો/દાહોદ: ગુજરાત રાજસ્થાનનાં મંદિરોમાં ચોરી કરનાર ગેંગના મેમ્બરે 1 કિમી સુધી પોલીસને ખેતરમાં દોડાવી અંતે હાફી જતા દબોચી લીધો છે. ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઈટેક બની છે.દાહોદ પોલીસ આરોપીઓને અને ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અવાર નવાર ડ્રોનનો ઉપયોગ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી  દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતાં બનાવને અટકાવવા માટે તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબી પોલીસને ગુજરાતના મંદીર તેમજ રાજસ્થાનના જૈન મંદીરોમાં થતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલા ભાભોર (રહે. માતવા, મખોડીયા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) નો તેના રહેણાંક વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. 


પોલીસને જોઈ આરોપી ખેતરોમાં ભાગ્યો
આ બાતમીના આધારે પોલીસે ગતરોજ તેના રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ટીમો ગોઠવી દીધી હતી. જે બાદ આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આરોપી પોતાના ઘરે હાજર હતો તે દરમિયાન પોલીસ આવી હોવાની જાણ થતાં તે ભાગવા લાગ્યો હતો. પોલીસને જોઈ આરોપી તેના ઘર નજીકથી પસાર થતાં ખેતરોમાં ભાગ્યો હતો. પોલીસે ડ્રોન મારફતે ખેતરોમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ઉપરોક્ત આરોપીનો ખેતરોમાં એક કિમી જેટલો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. જે બાદ તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. 



અન્ય એકનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપ્યો
આ સમગ્ર મામલે આરોપીની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને બાંસવાડામાં અલગ-અલગ સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આ આરોપીની વધુ ધનિષ્ઠ પુછપરછ હાથ ધરતા અન્ય એક આરોપી દિલીપ મણીલાલ સોની (રહે.મંડાવાવ રોડ, રોકડીયા સોસાયટી,તા.જિ.દાહોદ)નું પણ નામ ખુલતા પોલીસે તેને પણ પકડી લીધો હતો. 



આ દિલીપે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, દાહોદ તાલુકા, ગાંધીનગર, પંચમહાલ મળી કુલ 10 સ્થળોએ પોતાના સાગરીતો સાથે મળી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઉપરોક્ત બંન્ને આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.7, 32, 700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંન્ને આરોપીઓના સાગરીતોની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.