ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમા ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 અને 3 તારીખે બંને મહિલાઓનો પૂજા કરવાનો વારો 
ડાકોરના મંદિરના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાએ પૂજા નથી કરી. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, તા.2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો. જેથી આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે.  


કોણ છે વગાદારી પરિવારની આ બહેનો
ડાકોર મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદારી તરીકે પૂજા કરતો આવ્યો છે. પરંતુ તેમને સંતાનમાં બે દીકરીઓ હોવાથી મંદિરમા પૂજા કરવા વિશે વિવાદ ઉઠ્યો હતો. ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈ જયંતિલાલ સેવક અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટ કેસ કર્યો હતો. જોકે, આ 2018 ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેનનો દાવો છે.


બંને બહેનોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો 
મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં મહિલાઓએ પૂજા કર્યાનુ ક્યાંય ઉલ્લેખાયેલુ નથી. આવામાં બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ કહ્યુ છે. ત્યારે આ કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.