‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો
- મોડાસામાં બે શખ્સોએ વરઘોડો અટકાવી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા
- પોલીસ ફરિયાદ બાદ વસંતપંચમીના દિવસે ફરીથી દલિત સમાજની દીકરીનો વરઘોડો નીકળ્યો હતો
સમીર બલોચ/અરવલ્લી :મોડાસાના નાંદીસણમાં દલિત સમાજના વરઘોડામાં બબાલ થઈ હતી. સોમવારે મોડી રાત્રે ગામના ચોકમાં વરઘોડામાં રમાયેલા રાસગરબા દરમિયાન બબાલ થઈ હતી. ગામના કેટલાક શખ્સોએ દલિત સમાજના આગેવાન સાથે પાઘડી પહેરવા મામલે લાફાવાળી કરી હતી. ગામના બે ઈસમોએ વરઘોડો અટકાવી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા મામલો બીચક્યો હતો. ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને બે ઈસમો સામે એટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાંદીસણ ગામમાં સોમાભાઈ પરમારની દીકરી સુનિતાના લગ્ન હતા. સોમવારે મોડી સાંજે સુનિતાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો નાંદીસણ ગામના ઓટલાવાળા ચોકમાં પહોંચ્યો હતો. ત્યાં ગામના જ પિતા અને પુત્ર ધર્મરાજસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ ચૌહાણ ત્યાં આવી ચઢ્યા હતા. પહેલા તો તેમણે વરઘોડાની આગળ કાર પાર્ક કરી દીધી હતી. બાદમાં તેઓએ બબાલ શરૂ કરી હતી. તેઓએ સુનિતાના ભાઈ ધવલકુમારને બાજુમાં બોલાવ્યો હતો, અને ‘તારા માથે પાઘડી ઉતારી દે તને શોભતી નથી મને આપી દે...’ કહી જાતિ અપમાનિત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના સિંહો માટે સ્વર્ગ સમાન છે જૂનાગઢમું સક્કરબાગ ઝૂ
બંને પિતાપુત્ર આટલુ કહીને અટક્યા ન હતા. તેમણે ઘોડા પર બેસેલી સુનિતાને નીચે ઉતારી ચાલતી ઘરે મોકલવાની ધમકી આપી હતી. સાથે જ તેમણે બબાલ કરતા ગિરીશ પરમાર નામના શખ્સને લાફો પણ માર્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. યુવતીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ધર્મરાજસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદ બાદ ગામમાં વસંત પંચમીને મંગળવારે દલિત સમાજની દીકરીની જાન આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું અને જાનૈયાઓએ ગામમાં બેન્ડબાજા અને સાફાધારણ કરી ગામમાં વાજતેગાજતે વરઘોડો કાઢ્યો હતો.
આ પણ વાંચો : પિતાના ઘરની વૈભવી દુનિયા છોડીને સુરતની 17 વર્ષની રેન્સીએ દીક્ષા લીધી