બોટાદ: રાણપુરના અણીયાળી કસ્બા ગામના આગેવાના દ્વારા છેલ્લા બે વર્ષથી લેવામાં આવેલા નિર્ણય મુજબ કોઇપણ સમાજની મહિલાઓ કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ તેમ છતાં (રવિવારે) ગઇકાલે નાની દીકરીઓના ચાલતા વ્રત મામલે દલિત સમાજની દીકરીઓ ત્યાં મંદિરે જતા અન્ય સમાજની દીકરીઓ દ્વારા તેમને અટકાવતા મામલો બીચક્યો હતો. આજે દલિત સમાજ દ્વારા ગામના ૧૧ લોકો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોધાવી હતી. ૧૧ લોકો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવતા ગામની મહિલા સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બા ગામમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સમસ્ત ગામ દ્વારા બે વર્ષ પહેલા કોઇપણ સમાજની બહેન કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ તે મુજબનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોના આ નિર્ણય બાદ ગામમાં કોઇપણ સમાજની મહિલા કે દીકરી મંદિરે જતી નથી. પરંતુ હાલમાં વ્રત ચાલી રહ્યા હોવાથી તમામ દિકરીઓ પૂજારીના ઘરે પૂજા કરે છે. પ્રવેશ નિષેધ હોવાછતાં રવિવારે દલિત સમાજની દિકરીઓ મંદિરની જાળી કૂદીને મંદિરમાં પ્રવેશી હતી તે દરમિયાન અન્ય સમાજની દીકરીઓ દ્વારા મંદિરમાં જતાં અટકાવતાં વિવાદ વકર્યો હતો. 


વિવાદ વધુ વકરતા દલિત સમાજ દ્વારા ૧૮૧ને જાણ કરતા સમગ્ર મામલાની રાણપુર પોલીસને જાણ થતાં રાણપુર પોલીસ અણીયાળી કસ્બા ગામ ખાતે પહોચી હતી. જ્યાં ગામના લોકો તેમજ દલિત સમાજના લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં આ વિવાદ ન સમતા ગામના પુજારી દ્વારા મંદિરને તાળું મારી દેવામાં આવ્યું હતું. જેને લઈ દલિત સમાજ દ્વારા પોતાના સમાજની દીકરીઓને અપમાન કર્યું હોય તેમજ આભડછેટ રાખતા હોય તે મુજબની ફરિયાદ નોંધાવી હતી.


ગામના લોકોને આ બાબતની જાણ થતા તમામ સમાજની મહિલાઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. તેમજ મંદિરમાં પ્રવેશને લઇને ચાલી રહેલા વિવાદના પગલે છેલ્લા બે દિવસથી મંદિરમાં આરતી પણ કરવામાં આવતી નથી તેમજ જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી મંદિરમાં પૂજા નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.