દમણ મહિલા પ્રિન્સિપાલ હત્યા કેસમાં સાવનની ધરપકડ બાદ પોલીસે હવે આ દિશામાં શરૂ કરી તપાસ
દમણ નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સીપાલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગત 28 તારીખથી ગુમ થયેલા પ્રિન્સિપાલ અંગે તેમના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી
નિલેશ જોશી, સેલવાસા: દમણ નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સીપાલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગત 28 તારીખથી ગુમ થયેલા પ્રિન્સિપાલ અંગે તેમના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. સેલવાસ પોલીસને મહિલા પ્રિન્સિપાલની કાર અને તેમના કંકાલના અવષેશો વાપી અને દમણની હદમાં એક ડુંગરની અવાવરું જગ્યાએથી મળી આવ્યા છે. જોકે આ ચકચારી હત્યાનું કોયડું પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યું છે. ત્યારે કોણ છે આ મહિલા પ્રિન્સિપાલનો હત્યારો?? અને શા માટે એક મહિલા પ્રિન્સિપાલને મોતને ઘાટ ઉતારી??
દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા કનીમોઝી અરુમુગમ નામના મહિલા પ્રિન્સિપાલ ગઈ 28 મી તારીખથી ઘરેથી કોલેજ જવા નીકળ્યા હતા. જોકે તેઓ કોલેજ નહોતા પહોંચ્યા. મૃતકના પોંડિચેરીમાં નોકરી કરતા પતિએ તેમની પત્નીનો સંપર્ક કરતા સંપર્ક નહીં થતા. તેઓએ તપાસ કરતા કોલેજમાં પણ હાજર નહિ હતા અને અન્ય માધ્યમથી પણ સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. આથી મેસેજના માધ્યમથી સેલવાસ પોલીસને મોબાઇલના માધ્યમથી ફરિયાદ કરી હતી. આથી સેલવાસ પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન આજે વાપી અને દમણની હદ પર આવેલા તરકપારડી ગામના છેવાડે આવેલા ડુંગરાળ વિસ્તારમાંથી એક કારમાં સળગેલી હાલતમાં કોઈ મુદ્દે હોવાની પોલીસને જાણ થઈ હતી.
પ્રથમ વાપી ટાઉન પોલીસ કાફલો અને દમણ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કારમાં જે મૃતદેહ હતો તે મૃતદેહ દમણની નર્સિંગ કોલેજના ગુમ થયેલા મહિલા પ્રિન્સીપાલ કનીમોઝીનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી સેલવાસ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ મામલે અંતે સેલવાસ પોલીસે એક આરોપી સાવન પટેલની ધરપકડ કરી લીધી છે.
દાદરા નગર હવેલીની સેલવાસ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક પ્રિન્સિપાલ કનીમોઝી જે કોલેજમાં નોકરી કરતા હતા તે કોલેજના એકાઉન્ટ સાવન પટેલ એ કોલેજ ની મેસ કમિટી અને અન્ય ફંડમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેની જાણ પ્રિન્સિપાલને થઈ ગઈ હતી. આ ગેરરીતિ અંગે મહિલા પ્રિન્સીપાલ તપાસ કરી રહ્યા હતા. આથી પોતાનું કૌભાંડ છુપાવવા 28 તારીખે જ જ્યારે મૃતક પ્રિન્સિપાલ પોતાના ઘર સેલવાસથી કોલેજ તરફ આવી રહ્યા હતા.
કોલેજના એકાઉન્ટન્ટે સાવન પટેલના દમણના ફોર્ટ વિસ્તારમાં પ્રિન્સિપાલની કાર રોકી હતી અને તેમની કારમાં બેસી અને તેમનું બળજબરીથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની હત્યા કરી અને લાશને સગેવગે કરવા દમણ અને વાપીની હદ પર આવેલી તરક પારડીના ડુંગરાળ વિસ્તારમાં લઇ આવ્યો હતો અને ઓળખ છુપાવવા માટે કાર સહિત મૃતદેહને સળગાવી દીધો હતો. પોલીસે શરૂઆતથી જ મામલાની તપાસ કરતા શંકાના આધારે આરોપી સાવનની અટકાયત કરી હતી. તેની આગવી ઢબે પુછપરછ કરતાં આરોપી સાવને પોતે ગુનો કબુલ કર્યો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આ સમગ્ર મામલામાં કોલેજના એકાઉન્ટન્ટે પોતે આચરેલા કૌભાંડ છુપાવવા માટે કૌભાંડની તપાસ કરી રહેલા મહિલા પ્રિન્સિપાલનાનો કાંટો કાઢવા માટે પ્રિન્સિપાલની હત્યા કરી અને તેમની લાશને સગેવગે કરવા અને ઓળખ છુપાવવા માટે સળગાવી દીધા હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે પોલીસે આરોપી સાવનની ધરપકડ કરી આરોપીએ કોલેજમાં કુલ કેટલું કૌભાંડ આચર્યું છે? અને આ કૌભાંડમાં કે હત્યામાં અન્ય કોઈનો હાથ છે કે કેમ?? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube