ધવલ પરીખ/વલસાડ: ગુજરાત કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને લોકો અલગ અલગ તર્ક લગાવી રહ્યા છે. કોંગી નેતા અનંત પટેલનો પુષ્પા અંદાજમાં ડાન્સ કરતો વિડીયો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. અનંત પટેલનો પુષ્પા અંદાજમાં ડાન્સ કરતો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે, જેને લઈને રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે નવરાત્રમાં રાજકીય આગેવાનો ગરબે ઘૂમ્યા હતા સાથે જ આગેવાનોને નામે ગરબા પણ ગવાયા હતા. જેમાં નવસારીના ખેરગામ તાલુકાના બહેજ ગામે આવેલા રૂપા ભવાની માતાજીના મંદિરે રામાયેલા ગરબામાં પણ ''એક જ ચાલે, આદિવાસી ચાલે... એક જ ચાલે, અનંત પટેલ જ ચાલે'' ગીત પર ગરબા રમાયા હતા. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના સોશ્યલ ગ્રુપમાં વિવાદ ઉભો થયો હતો. 



રૂપા ભવાની માતાજીના મંદિર ખાતે રમાયેલા ગરબામાં ગીતનો ઓડિયો એડિટ કર્યો હોવાની ચર્ચા ઉઠી હતી. જેને લઈને વિડીયો વાયરલ કરનાર યુવાન પાસે પણ માફી મંગાવી હતી. દરમિયાન આજે સાંજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સાથે બેઠક કરવા ખેરગામ આવી રહ્યા હતા. ત્યારે ખેરગામ બજાર વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ દોડીને અનંત પટેલની કાર અટકાવી હતી અને કાચ પર લાકડી વડે હુમલો કરી કાચ તોડી નાંખ્યો હતો. સાથે જ અનંત પટેલને કારની બહાર કાઢી ઢોર માર માર્યો હતો, જેમાં તેમની આંખ પર ઇજા થતાં લોહીલુહાણ થયા હતા. 


હુમલાવરોએ અનંત પટેલને આદિવાસી નેતા બનતા હોય, જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. હુમલા બાદ અનંત પટેલ ઘટના સ્થળે જ બેઠા છે અને તેમના સમર્થકો પણ ભેગા થતા ભાજપ અને પોલીસ તંત્ર પર આક્રોશ ઠાલવી રહ્યા છે. સાથે જ નવસારીના ગામડાઓ સહિત ડાંગ અને વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખેરગામ પહોંચી રહ્યા છે. જ્યારે હુમલો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ અહિત તેમના સાથીદારોએ હુમલો કરવા સાથે જાનથી મારી નાંખવાના આક્ષેપો ધારાસભ્ય અનંત પટેલે લગાવ્યા છે. 


લોક આક્રોશ જોતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે અનંત પટેલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ અનંત પટેલે જ્યાં સુધી હુમલાવરોને પકડવામાં ન આવે, ત્યાં સુધી ઘટના સ્થળ ન છોડવાની ચીમકી ઊચ્ચારી હતી.