ડાંગના નારાજ રાજાને મનાવી લેવાયા, વાસુર્ણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ફરી ભાજપમાં જોડાયા
ડાંગ વાસુર્ણા સ્ટેટના રાજાએ અગાઉ આપનો ખેસ પહેરીને ભાજપની ઊંઘ ઉડાવી દીધી હતી. ચાર માસ અગાઉ ભાજપમાંથી નિષ્ક્રિય બનવાની જાહેરાત કરી હતી. ત્યારે નારાજ રાજા ધનરાજસિંહ સૂર્યવંશીને ફરી એકવાર મનાવી લેવામાં ભાજપ સફળ રહ્યું છે
હિતાર્થ પટેલ/ડાંગ :વિધાનસભાની ચૂંટણી નજીક આવતાજ ડાંગ જિલ્લામાં રાજકીય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સુબિર તાલુકામાં ભાજપમાંથી કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામુ આપવાના સમાચારથી આ પંથકમાં માંડ માંડ બેઠા થયેલ ભાજપને હવે નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ, જિલ્લાના મુખ્યમથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર અને સદસ્યતા અભિયાનથી પણ લોકો હવે આપ તરફ વળી રહ્યા છે. ત્યારે ડાંગના મોભી ગણાતા એવા ડાંગ વાસુર્ણા સ્ટેટના રાજાએ આપનો ખેસ પહેરી ભાજપની ઊંઘ ઉડાવી દીધી હતી. એટલું જ નહિ, ચાર માસ અગાઉ ભાજપમાંથી નિષ્ક્રિય બનવાની જાહેરાત કરી હતી. ત્યારે સુરત ખાતે આમ આદમીનો ખેસ પહેરનાર રાજા ધનરાજસિંહ સૂર્યવંશીને ફરી એકવાર મનાવી લેવાયા છે. ભાજપમાં તેમની ઘરવાપસી થઈ છે. ભાજપમાં સક્રિય રહીને અનેક હોદ્દા ઉપર કામ કરનાર ડાંગ જિલ્લાના મોભી એવા રાજાને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલે ફરી એકવાર ભાજપનો ખેસ પહેરાવીને ઘરવાપસી કરાવી છે.
યોગ્ય સન્માન ન મળતા નિષ્ક્રિય બન્યા હતા
રાજા ધનરાજસિંહ સૂર્યવંશી અગાઉ ભાજપમાં અનેક હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. જોકે ડાંગ જિલ્લાના રાજા તરીકે આદિવાસીઓમાં ભારે માન સન્માન ધરાવતા રાજાનું સરકારી તેમજ ભાજપના કાર્યક્રમોમાં યોગ્ય સન્માન ન જળવાતું હોવાથી નારાજ થયા હતા અને રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : પહેલા નોરતે જ આવી ગયો વરસાદ, ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા
ભાજપમાં ઘરવાપસી કરાવી
એક રાજાને મળવા પાત્ર માન અને સન્માનની ગરિમાને ધ્યાનમાં રાખી પ્રભારી મંત્રી નરેશ પટેલે રાજાને બોલાવી તેમની સાથે ચર્ચા કરી અને તેઓની નારાજગી દૂર કરવામા આવી હતી. નારાજગી દૂર થતાંજ ફરી એકવાર ભાજપમાં સક્રિય બનાવાયા છે.
હું આપમાં જોડાયો ન હતો : રાજા ધરાજસિંહ સૂર્યવંશી
આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાતને લઈને રાજા ધનરાજસિંહે ખુલાસો આપતા કહ્યું હતું કે, હું આપમાં જોડાયો ન હતો. પરંતુ મારા મિત્ર એવા ડાંગ જિલ્લા આપના પ્રમુખ જોસેફભાઈ સાથે તેમના કામે સુરત જવાનું થયું, ત્યારે એક રાજા તરીકે મારું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ સ્વાગત ફૂલોના હારને બદલે આપના ખેસથી કરવામાં આવતા વિવાદ થયો હતો.