અંબાજીઃ આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે આગામી તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા આવે છે. આ મહામેળામાં આવતા માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુરમાં આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓ દ્વારા જય અંબે.....ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરવામાં આવ્યું છે. આ સંસ્થામાં ૨૦૦ જેટલી અનાથ, દિવ્યાંગ, માનસિક અસ્થિર અને પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ અભ્યાસ કરે છે. આદ્યશક્તિ મા અંબામાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી મેળા પહેલાંથી આ દિકરીઓએ જય અંબે.....ના મંત્ર લેખનનું કાર્ય શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં ૨૧ લાખ જેટલાં જય અંબે....ના મંત્રોનું લેખન કર્યુ છે અને હજી પણ આ મંત્ર લેખન કાર્ય ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજીના આશીર્વાદ સમગ્ર સૃષ્ટિ પર વરસતા રહે એ માટે આ દિવ્યાંગ દિકરીઓ દ્વારા મંત્ર લેખન કરવામાં આવી રહ્યું છે. જય અંબે... મંત્ર લેખન કાર્ય પૂર્ણ થયા બાદ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઇ પટેલ આ દિકરીઓએ લખેલા મંત્રો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલને અર્પણ કરવામાં આવશે.  


આ પણ વાંચોઃ વરસાદ નડ્યો! 8 ટ્રેનો રદ અને 27 ટ્રેન ડાયવર્ટ કરાઈ, ચેક કરી લેજો ટ્રેનોનું આ List
         
પ્રજ્ઞાચક્ષુ દિકરી શિતલે બ્રેઇન લીપીથી જય અંબે...ના મંત્રો લખ્યા 
મંથન અપંગ કન્યા સેવા સંકુલની કુલ- ૨૦૦ જેટલી દિકરીઓ દ્વારા જય અંબે.....ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સંસ્થામાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ દિકરી શિતલે પણ બ્રેઇન લીપીથી જય અંબે...ના મંત્રો લખ્યા છે. માતાજીમાં અતૂટ શ્રધ્ધા ધરાવતી આ દિવ્યાંગ દિકરીએ જણાવ્યું કે, અમે અંબાજી મેળામાં જ્યાં લાખોની સંખ્યામાં માઇભક્તો આવે છે ત્યાં મેળા દરમિયાન જઇ શકીએ એમ નથી એટલે માતાજીને યાદ કરી જય અંબે....ના મંત્રોનું લેખન કર્યુ છે. શિતલે કહ્યું કે, હું જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું એટલે જોઇ પણ શકતી નથી પરંતુ માતાજીની શક્તિને અનુભવી શકું છું, મને માતાજીમાં ખુબ જ શ્રધ્ધા છે. મેં બ્રેઇન લીપીથી માતાજીના મંત્રો લખવાનો પ્રયાસ કર્યો છે. એ મંત્રો જય ભોલે ગ્રુપના  દીપેશભાઇ પટેલના માધ્યમથી માતાજીના ધામ અંબાજીમાં પહોંચશે ત્યારે મને ખુબ આનંદ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube