રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: અબડાસા તાલુકામાં બેદિવસ અગાઉ ખિદરત ટાપુ પર બે ડોલ્ફિન અને એક કાચબાનો મૃતદેહ મળી આવ્યા બાદ વનતંત્ર હજુ તેના મોતનું કારણ જાણી શક્યુ નથી. તેવામાં ફરી ગઈ કાલે સવારે સિંધોડી અને પિંગલેશ્વરના દરિયા કાંઠે વધુ ત્રણ ડોલ્ફિન માછલી અને એક દરિયાઇ કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતા વન વિભાગ સ્થળ પર દોડી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન વિભાગ સ્થળ પર પશુ તબીબ સાથે ધસી આવ્યું હતું. ત્રણ ડોલ્ફિન 5થી 10 ફુટ આસપાસ લંબાઇ ધરાવે છે. તો કાચબો આઠ ફુટનો મહાકાય છે. પશુ તબીબે મૃત માછલી અને કાચબાના લોહીના નમુના લીધા હતાં. તેના રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. લોહીના નમુના લીધા બાદ સ્થળ પર જ ખાડો ખોદી મૃતદેહોને દફનાવાયા હતાં. બીજીબાજુ મંગળવારે મળેલા બે ડોલ્ફિન અને એક કાચબાના મૃતદેહોના રહસ્યનો ભેદ ખુલવા પામ્યુ નથી.


અવારનવાર દરિયાઇ જીવોના મોત પાછળ તપાસ જરૂરી છે, એવું જીવદયા પ્રેમીઓમાં ચર્ચિત થયેલ છે. અબડાસાના કાંઠે છેલ્લા થોડા સમયથી દરિયાઇ જીવોના મૃતદેહો તણાઇ આવે છે. તેનું ચોક્કસ કારણ શિકાર થાય છે કે માછીમારોની જાળીમાં ફસાવાથી મોત થાય છે તે અંગે તપાસ કરવાની જરૂર છે. પિંગલેશ્વરથી જખૌ દરિયાઇ પટ્ટામાં 180થી 200 જેટલી ડોલ્ફિન માછલીઓ હોવાનો અંદાજ છે. સવાર અને સાંજના સમયે દરિયાકાંઠાથી થોડે દૂર આ ડોલ્ફિનોને દરિયામાં ઉછળ-કુદ કરતી જોઇ શકાય છે.