અંધશ્રદ્ધા: છાતી પર કૂદકા પત્નીએ પતિને પતાવ્યો, તાપીમાં ચપ્પુ વડે આપ્યા ડામ
કાનજીભાઈને વળગાડ હોવાની અંધશ્રદ્ધા રાખીને તેમના પત્ની હંસાબેન સહિત તેમના 3 પુત્ર અને 2 પુત્રીઓએ મળીને કાનજીભાઈને મોતના ઘાટ ઉતારી દીધા છે.
સુરત: અંધશ્રદ્ધાની આગમાં અનેકના જીવ ગયા છે ત્યારે મંગળવારે વધુ 2 લોકોના જીવ અંધશ્રદ્ધાએ લઈ લીધા છે. તાપીના કાટિસકુવા ગામમાં એક રાતમાં યુવકને અંધશ્રદ્ધાના નામ પર એટલો માર મારવામાં આવ્યો કે યુવકનો જીવ જ જતો રહ્યો. મૃતક રાજુભાઈને ચક્કર આવતા તેઓ બેભાન થયા હતા ત્યારબાદ રાજુભાઈને ડૉક્ટર પાસે લઈ જવાના બદલે તાંત્રિક વિધિ કરતી મહિલા પાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાજુભાઈના શરીરમાં ડાકણ ઘુસી હોવાની વાત કહીને તાંત્રિકે રાજુભાઈને ચપ્પુથી ડામ આપ્યા હતા, તો લાકડી વડે ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ બીજા જ દિવસે રાજુભાઈનું મોત નિપજ્યુ હતુ.
તો આવી જ બીજી ઘટના સુરતમાંથી પણ સામે આવી છે. જેમાં અંધશ્રદ્ધાનો વરવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અંધશ્રદ્ધામાં ડુબેલી યુવતીએ પોતાના જ પુત્ર અને પુત્રીઓ સાથે મળીને પોતાના પતિને મોતના ઘાટ ઉતારી દીધો છે. કતારગામના વિમલનાથ એપોર્ટમેન્ટમાં રહેતો કુંભાર પરિવાર અંધશ્રદ્ધાની આડમાં વેરવિખેર થઈ ગયો છે. કુંભાર પરિવારના વડીલ એવા કાનજીભાઈ કુંભાર માનસિક રીતે બિમાર હતા ત્યારે કાનજીભાઈને વળગાડ હોવાની અંધશ્રદ્ધા રાખીને તેમના પત્ની હંસાબેન સહિત તેમના 3 પુત્ર અને 2 પુત્રીઓએ મળીને કાનજીભાઈને મોતના ઘાટ ઉતારી દીધા છે.
આખાય પરિવારે પહેલા તો કાનજીભાઈને કંકુવાળું પાણી પીવડાવ્યુ હતુ જે બાદ તેમની છાતી ઉપર કુદકા માર્યા હતા. જેના કારણે કાનજીભાઈની પાંસળી તુટી ગઈ હતી અને બાદમાં કાનજીભાઈનું મોત નિપજ્યુ હતું. પહેલા તો પરિવારે આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેડીકલ પુરાવામાં હકીકત સામે આવી હતી કે છાતી પર કુદકા મારવાના કારણે કાનજીભાઈનું મોત નિપજ્યું છે. ત્યારે હાલ તો પોલીસે પત્ની હંસાબહેન અને તેમના દિકરાઓ સહિત છ લોકોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.