Coronaએ કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો લીધો ભોગ, દુખદ અવસાન
બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ પણ હતી. જેના કારણે કોરોના ઈન્ફેક્શનથી તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઉપરાંત તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી.
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે ત્યારે હવે ચોંકાવનારા દુખદ સમાચાર મળ્યા છે. રવિવારે AMCમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના (Corona)ના કારણે અવસાન થયું છે. થોડા સમય પહેલાં તેમનો તેમજ જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ SVP હોસ્પિટલમાં બન્ને નેતાઓની સારવાર ચાલી રહી હતી. દરમિયાનમાં બદરુદ્દીન શેખની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને રવિવારે તેમનું નિધન થઈ ગયું.
બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ પણ હતી. જેના કારણે કોરોના ઈન્ફેક્શનથી તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઉપરાંત તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. જોકે, કોરોના સામે જંગ હારી જતાં અંતે AMCમાં વિપક્ષના પૂર્વ નેતાએ SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
આ પહેલા શહેરના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો 15 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ પણ SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. ઈમરાન ખેડાવાલાએ તે દિવસે જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મિટિંગ યોજી હોવાનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. જોકે, હવે ઈમરાન ખેડાવાલાના બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube