Big Breaking : ગુજરાતમાં યોજાનાર ડિફેન્સ એક્સપો મોકૂફ, ડિફેન્સ મિનીસ્ટ્રીએ કરી જાહેરાત
Defence Expo 2022 : 10 થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાનાર ડિફેન્સ એક્સપો હાલ મુલત્વી રાખવામાં આવ્યો. ડિફેન્સ મિનીસ્ટ્રીએ કહ્યું, નવી તારીખ જલ્દી જ જાહેર કરીશું
- ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022 રખાયો મોકૂફ
- નવી તારીખોની ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેરાત
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના આંગણે યોજાનાર ડિફેન્સ એક્સપો મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. 10 થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાનાર ડિફેન્સ એક્સપો હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક પર્સન ભરતભૂષણ બાબુ દ્વારા હાલ ડિફેન્સ એક્સપો મોકૂફ કરાયાની જાહેરાત કરાઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતના ગાંધીનગરમાં 10 થી 14 માર્ચ દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સપોને હાલ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મોકૂફ કરાયો છે. ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે.
કેટલાક લોજિસ્ટિક કારણોથી ડિફેન્સ એક્સપોને મુલત્વી રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રશિયા અને યુક્રેન યુદ્ધ પણ ડિફેન્સ એક્સપોના મુલત્વી રહેવાનુ મુખ્ય કારણ છે. ગુજરાતના આંગણે યોજાનાર ભવ્ય ડિફેન્સ એક્સપો માટે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. આ માટે અમદાવાદમાં રસ્તાઓ બંધ રાખવાનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ હતુ. જોકે, હવે આ એક્સપો ક્યારે યોજાશે તેની જાહેરાત યુદ્ધની સ્થિતિ પૂર્વવત બને તેના બાદ થશે તેવુ લાગી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, 2022 ના વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા કાર્યક્રમો રદ થયા છે. ગત મહિને કોરોનાની ત્રીજી લહેરને કારણે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા અમદાવાદનો ફ્લાવર શો રદ કરાયો હતો. ત્યારે હવે ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન થવાનુ હતું. પરંતુ તે પહેલા જ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું.