નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર આપીશ, ગુજરાતના બેરોજગાર યુવાઓને કેજરીવાલનું વચન
Kejriwal In Gujarat : અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું
ગૌરવ દવે/સોમનાથ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. શ્રાવણનો પહેલો સોમવાર હોઈ તેઓ આજે સોમનાથ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ના નાદ સાથે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનુ વજન આપ્યું હતું.
કેજરીવાલે આપી આ 5 ગેરેન્ટી
- દરેક યુવકને રોજગારી આપવામાં આવશે. દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી. તો દિલ્હીમાં હજુ 20 લાખ લોકોને રોજગારી આપીશ
- જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ
- 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું
- સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને લઈને કાયદો લાવીશું
- સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગ થી નોકરી નહિ લેવી પડે
આ પણ વાંચો : સવા લાખ ચિંતામણી શિવલિંગ બનાવીને પૂજા કરતુ ગુજરાતનું એકમાત્ર મંદિર, પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા કરી હતી આ પૂજા
તેમણે ગુજરાતના બેરોજગાર યુવાઓ માટે મંચ પરથી જાહેરાત કરી હતી કે, અગાઉ હું ગુજરાતમાં વીજળીની ગેરેન્ટી આપી ગયો હતો. કારણ કે, ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે. ગુજરાતમાં મોંઘવારી સતત વધી રહી છે. તેથી ગુજરાતમાં અમે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે એટલે 300 યુનિટ ફ્રી વીજળી આપીશું. 24 કલાક વીજળી આપીશું. 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરીશું. દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરી છે, હવે અમને એક મોકો ગુજરાતમાં આપો. કેજરીવાલ રેવડી સ્વિસ બેંકમાં નહિ, જનતા વચ્ચે વહેંચે છે. આજ ગુજરાતની સરકાર ઉપર 3.5 લાખ કરોડનું દેવું છે. શું આ દેવું કેજરીવાલે કર્યું છે? ફ્રી રેવડીનો વિરોધ કરવા વાળા લોકો પોતાના મિત્રોને અને સ્વિસ બેંકમાં રેવડીઓ વહેંચી રહ્યાં છે. જેવી સ્કૂલ મેં દિલ્હીમાં બનાવી તેવી એક સ્કૂલ પુરા દેશમાં બનાવી બતાવો.
આ પણ વાંચો : ગાંધી પરિવારના નિશાન પર ગુજરાતઃ મુન્દ્રા પોર્ટ પર જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ?
ગુજરાતના કેમિકલ કાંડમાં માર્યા ગયેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યુ હતુ. તેના બાદ કેજરીવાલ બોલ્યા કે, ઝેરી દારૂ પીવાથી આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આત્માઓને શાંતિ આપે. ગુજરાતના મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળવા નથી ગયા. કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ મળવા નથી ગયા. મેં ભાજપના નેતાને પૂછ્યું તો કહ્યું કે, આ વાતથી મતમાં કોઈ ફેર નહિ પડે. ગુજરાતમાં હજારો કરોડનો નશાનો ધંધો છે. જે લોકો ઝેરી શરાબ પોતાના બાળકોને પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજો. ગોંડલના 23 વર્ષના યુવકે બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો. રોજગારી મુદ્દે જ હું આજે ગેરેન્ટી આપવા આવ્યો છું. દરેક ભાઈ-બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. અમે જે ગેરેન્ટી આપીએ છીએ, જે પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય તો ધક્કા મારી કાઢજો.
એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલે જનતા સમક્ષ બે મોડલની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, તમે આ લોકોને મત આપશો તો ઝેરીલો દારુ મળશે જ્યારે અમોને મત આપશો તો રોજગાર મળશે. લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કયું મોડલ ઇચ્છે છે. 27 વર્ષના શાશસથી પ્રજા ત્રસ્ત છે, શાળાની હાલત ખરાબ છે, તો બીજી તરફ, પેપર ફાટવાને કારણે નોકરી ન મળતા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે.