Gujarat Election : શું છે કેજરીવાલની નવી ગેરન્ટી? રખડતી ગાયો મુદ્દે કરી જાહેરાત
Arvind Kejriwal Garantee : અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપી છે. તેમણે ગાય વિશે મહત્વની જાહેરાત કરી. સાથે જ કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું
રાજકોટ :આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગર ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આપની સભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સભા સંબોધન કરાયુ હતું. જેમાં ભાજપ અને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરાયા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપી છે. તેમણે ગાય વિશે મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું. તથા પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રઝળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે.
તો ભગવંત માને કહ્યું કે, ઈમાનદારી જ અમારી પાસે છે, જેથી લોકોનો પ્રેમ જીતી રહ્યાં છીએ. પંજાબમાં અમારી સરકારમાં એક ગૌરક્ષા કમિશન છે. અમે ગૌરક્ષા કમિશનને વધુ મજબૂત બનાવ્યું છે.
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીને લઈ કેજરીવાલનો દાવો, ગુજરાતમાં AAP ની સરકાર બનવા પર કહી મોટી વાત
ગેરેન્ટીના મહત્વના મુદ્દા
- આમ આદમી પાર્ટી આઉસોર્સિંગ/કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરશે
- અમે ૧૮ વર્ષથી ઉપરની પ્રત્યેક મહિલાને પ્રતિમાસ ૧૦૦૦ રૂપિયા સન્માનરાશિ આપીશું
- અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું.
- પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે.
તો બીજી તરફ, ગુજરાત સર કરવા ભાજપ, કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ભાજપનો ગાઢ ગણાતા દક્ષિણ ગુજરાતમાં 27 વર્ષોથી કોંગ્રેસ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે, ત્યાં આમ આદમી પાર્ટી પોતાની મજબૂત પકડ હોવાના દાવા સાથે આગળ વધવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે આજે મહાત્મા ગાંધીજીની 153 મી જન્મ જયંતિ પર આમ આદમી પાર્ટીએ ગુજરાતના સહપ્રભારી અને દિલ્હીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સત્યાગ્રહની ધરતી દાંડી ખાતેથી ગુજરાત પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ મહાત્મા ગાંધીજીએ જે રીતે ગોરા અંગ્રેજોની અહંકારી સરકારને આમ આદમીની શક્તિનો પરચો બતાવ્યો હતો, એજ પ્રમાણે હાલની અહંકારી ભાજપા સરકારને આમ આદમી પાર્ટી મજબૂત ટક્કર આપી 2022 માં પાતળા તફાવતથી સરકાર બનાવશેનો આશાવાદ IB રિપોર્ટને આધારે જાહેર કર્યો હતો.