ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પગપેસારો કરી રહયું છે. ધીરે ધીરે હવે તેના કેસ વધવાનો ડર લાગી રહ્યો છે. વડોદરા, સુરત બાદ વધુ એક શહેરમાં કોરોનાના આ ખતરનાક સ્વરૂપની એન્ટ્રી થઈ છે. હવે જામનગરમાં ડેલ્ટા વાયરસ વેરિઅન્ટ દેખાયો છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ ડેલ્ટા + વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે. જામનગરમાં 2 જુનના રોજ ડિસ્ચાર્જ થયેલ દર્દીનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો. જોકે, તબીબોના કહેવા અનુસાર, હાલ આ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી રાજ્યમાં આ વેરિઅન્ટનો હાલ કોઈ એક્ટિવ કેસ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેખા દેતા પાલિકાનુ તંત્ર દોડતું થયુ છે. જામનગરમાં એક વૃદ્ધામાં આ વેરિઅન્ટ દેખાયું છે. જોકે, હાલ આ વૃદ્ધા સ્વસ્થ થઈને તેમના ઘરે પણ જતા રહ્યા છે. પરંતુ આરોગ્યતંત્ર દ્વારા તેના રહેણાંક વિસ્તારમાં જરૂરી પગલાં ભરવાનું શરૂ કરાયું છે. તેમના મકાન અને આસપાસના રહીશોની તપાસ શરૂ કરી કરાઈ છે. જોકે, વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. 


જામનગરના ગાંધીનગર વિસ્તારમા રહેતા 60 વર્ષીય એક વૃદ્ધા મે મહિનામા કોરોના સંક્રમિત થયા હતા. 29 મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ તેમને સારવાર અપાઈ હતી. 2 જૂનના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી હતી. તેઓને ડેલ્ટા પ્લસ વેરીયન્ટ છે કે કેમ, તેની ચકાસણી માટે જી.જી હોસ્પિટલ માંથી તેઓનો રિપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્યમાં એપ્રિલ માસ દરમિયાન સુરત ખાતે અને ત્યારબાદ વડોદરા ખાતે ડેલ્ટા પ્લસનો કેસ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં રહેલા ડેલ્ટા પ્લસના દર્દીઓ હાલ સ્વસ્થ છે.