અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસન અધિકારી દ્વારા રૂ. 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં જરૂરી સુધારો વધારો કરી શાસકો દ્વારા આગામી દિવસોમાં તેને આખરી મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે, વર્ષ 2019-20 ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે ફક્ત રૂ. 42 કરોડ જ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકી રકમ શિક્ષકો અને કર્મચારીઓના પગાર, પેન્શન માટે ખર્ચવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા રૂ. 668 કરોડ રજૂ કર્યુ છે. જેમાં રૂ.42 કરોડ જેટલી રકમની જ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જોગવાઇ કરવામાં આવી છે. બાકીની રકમ કર્મચારીઓના પગાર અને પેન્શન માટે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ તરીકે કરવામાં આવશે. રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ માધ્યમની નવી શાળાઓ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ સ્માર્ટ ગુગલ શાળાની ઝોન મુજબ સંખ્યા વધારવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. 


એક નજર કરીએ ડ્રાફ્ટ બજેટની મહત્વની જોગવાઇઓ ઉપર


  • શાળા સજ્જતા માટે રૂ. 8 કરોડ

  • વિદ્યાર્થી વિકાસ, શિક્ષક સજ્જતા માટે રૂ. 12 કરોડ

  • સ્કૂલ બોર્ડનું નવુ ભવન રૂ. 12 કરોડ

  • નવી શાળાઓ માટે રૂ. 8 કરોડ

  • સ્માર્ટ લર્નીંગ શાળાઓ માટે રૂ. 2 કરોડ


ઉલ્લેખનીય છે કે, સ્કૂલબોર્ડના બજેટમાં દર વર્ષે મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ અમલીકરણની બાબતમાં કોઇ જ નક્કર કામગીરી થતી નથી. ત્યારે હવે જોવાનું રહે છે કે, આ ડ્રાફ્ટ બજેટમાં ભાજપના શાસકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષણના ભવિષ્ય માટે નવા કેટલા સુધારા વધારા રજૂ કરવામાં આવે છે.