અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડુતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. બે દિવસથી ખેડૂતો વીજળીની માંગને લઈને ધરણા પર ઉતર્યા છે. ત્યારે આજે દિયોદર શહેર વીજળીની માંગને લઈને બંધ રાખવામાં આવ્યુ છે. દિયોદરના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી ખેડૂતોને સમર્થન આપી રહ્યાં છે. 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે દિયોદરના વખા સબસ્ટેશન ખાતે 4 દિવસથી ધરણા ઉપર બેઠેલા ખેડુતોના સમર્થનમાં વેપારીઓએ આજે બંધ પાળ્યો છે. દિયોદરના વેપારીઓ સ્વયંમભુ બંધ પાળી બજારો બંધ રાખ્યા છે. જો ખેડૂતોની 8 કલાક પૂરતી વીજળીની માંગ નહિ સ્વીકારાય તો ગામડાઓના વેપારીઓ પણ ગામડાઓમાં બંધ પાળશે તેવી ચીમકી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના દિયોદર પંથકના ખેડૂતો છેલ્લા 4 દિવસથી 8 કલાક પૂરતી વીજળી મળે તે માટે વખા વીજ સબસ્ટેશન ખાતે ધરણા ઉપર બેઠા છે. ત્યારે આજે ધરણા ઉપર બેસેલ ખેડૂતોના સમર્થનમાં દિયોદરના વેપારીઓ આવ્યા છે અને આજે દિયોદર શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંમભૂ બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપ્યું છે. આજે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદરની બજાર બંધ રાખવાની અપીલ કરતાં દિયોદરની બજાર સજ્જડ બંધ રહી છે. જોકે વીજળી માટે વલખાં મારી રહેલા ખેડૂતો 8 કલાકની વીજળી મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેમની પીડા જોઈને વેપારીઓ પણ હવે ખેડુતોના આંદોલનમાં જોડાયા છે.


આ પણ વાંચો : રાત રંગીન કરવા રાજકોટમાં યુવક હોટલ જઈ પહોંચ્યો, કોલગર્લ તો ન આવી પણ 1 લાખ ગુમાવી દીધા 


વેપારીઓનું કહેવું છે કે અમારા ધંધા રોજગાર ખેડૂતો ઉપર આધારિત છે. ખેડૂતોના પાક જ નહિ પાકે તો અમારા ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે. જેથી અમે ખેડૂતોને દરેક રીતે સમર્થન આપીશું. જો સરકાર ખેડૂતોને પૂરતી વીજળી નહિ આપે તો અમે હાલ તો દિયોદર શહેરના વેપારીઓએ જ દુકાનો બંધ રાખી છે. પણ આગળ ગામડાઓના પણ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ખેડૂતોના સમર્થનમાં ઉતરીશું.


ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડુતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. ગઈકાલે લાખણી ખાતે આંદોલન કરી રહેલા ખેડુતોએ વીજ કચેરીનો ઘેરાવો કર્યા હતા અને નારેબાજી સાથે વિજ કચેરી આગળ જ સરકારનું બેસણું  કરી છાજિયા કુટ્યાં હતાં. ત્યારે આંદોલન કરી રહેલા ખેડૂતો ૮ કલાક વીજ પુરવઠો આપવાની માંગ સાથે ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડ્યા હતા. 


ખેડૂતોના ખેતરોમાં સુકાઈ રહેલો પાકની વ્યથા પ્રગટ કરતા ખેડુતો વહેલી તકે સરકાર દ્વારા 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. જ્યારે માથા પર રૂમાલ રાખીને રોઈ રહેલા ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, વીજળીની માંગ સાથે અમે આજે રડી રહ્યા છીએ. પરંતુ જો સરકાર અમારી માંગ નહિ સ્વીકારે તો 2022 ની ચૂંટણીમા સરકારને આ રીતે જ રોવાનો વારો લાવીશું તેવી પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.