• ટ્રોમા સેન્ટરની મુલાકાતે આવેલા નીતિન પટેલની નજર ફૂડ કોર્ટ પર પડતા અચાનક તેઓ ફૂડ કોર્ટ તરફ વળ્યા હતા. ફૂડ કોર્ટમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે તેઓએ જાણકારી મેળવી હતી. ફૂડ કોર્ટમાં જમી રહેલા લોકોને ‘જમવાનું કેવું છે...’ તેવું પણ નીતિન પટેલ દ્વારા પૂછવામાં આવ્યું. સાથે ગુજરાતી થાળી કેટલામાં આપો છે તેવો સવાલ પણ કર્યો હતો


અતુલ તિવારી/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ટ્રોમા સેન્ટરમાં નવનિર્મિત 21 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રસી આપવા માટે રાજયનું વહીવટી તંત્ર સુસજ્જ છે. ઈમરજન્સીમાં રસીના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં પણ ઉપયોગ કરાશે. તો સાથે જ મીડિયા સાથેની મુલાકાતમાં તેમણે પોતે કેટલીવાર કોરોના ટેસ્ટ કરાવ્યો તે માહિતી પણ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીને નવાઈ લાગશે કે, નીતિન પટેલે અત્યાર સુધી માત્ર 2 વાર કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કોરોના ટેસ્ટ વિશે તેમણે કહ્યું કે, મને પોતાને પહેલા એમ હતું કે આ કોરોના ટેસ્ટમાં કોણ પડે, પોઝિટિવ આવે તો 15 દિવસ તો ફસાવાનું થાય. પણ એકવાર મજબૂરીમાં કરાવવું પડ્યું. પહેલીવાર વિધાનસભાના સત્ર દરમિયાન ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર પછી એકવાર કચ્છમાં પીએમ આવ્યા ત્યારે પણ કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો. બે વાર સિવાય ટેસ્ટ મેં કરાવ્યા જ નથી. હું તો બધેય ફરતો રહ્યો, પણ અમારા કરતા તો મેં વધારે સાચવ્યું છે. 


આ પણ વાંચો : ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી


નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા વર્ષમાં મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહિ. રસીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એવો નાગરિકોને વિશ્વાસ તેમણે આપ્યો હતો. કોરોનાની રસી જેવી ઉપલબ્ધ બનશે કે તુર્તજ આ રસી રાજયના નાગરિકોને આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમિટિની બેઠકમાં આખરી ઓપ પણ આપી દેવાયો છે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને પ્રાથમિક તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે એનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે પ્રથમ તબકકામાં રસી આપવા માટે ગુજરાતની પસંદગી કરી છે એનું મોકડ્રીલ પણ રાજ્યમાં કરી દેવાયું છે.વેકસીન આપવા માટે આરોગ્ય કર્મીઓને તાલીમ આપીને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે.


તેમણે વધુમાં કહ્યું કે, 1 હજાર કરોડ અત્યાર સુધી કોરોના પાછળ ખર્ચાઈ ચૂક્યાં છે, હજુ કેટલા ખર્ચાશે એની કંઈ ખબર નથી. રોજ અમદાવાદ, સુરત, રાજકોટ અને અન્ય શહેરોથી રૂપિયાની સરકારમાં માગો આવતી રહે છે. દિલ્હી, મુંબઈ કરતા આપણી સ્થિતિ સારી રહી છે. જેના માટે તમામ કોરોના વોરિયર્સની મહેનત જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. અમે તો પાછળ ઉભા છીએ, પણ લોકોને કોરોના વોરિયર્સે બચાવ્યા છે. તમામ CHC, PHC, અર્બન હેલ્થ સેન્ટર સહિત તમામને અભિનંદન. કોરોના જશે તો સામાન્ય કાર્યક્રમ નહિ, પરંતુ બધા જોતા રહી જશે તેવો કાર્યક્રમ તેમના માટે કરીશું. 


કોરોના મહામારીની શરૂઆત જ્યારે ગુજરાતભરમાં થઈ ત્યારે સરકારી હોસ્પિટલો સિવાય તમામ ખાનગી હોસ્પિટલો બંધ હતી. ત્યારથી અમે સતત લોકોને સારવાર આપી રહ્યા હતા. ત્યાર બાદ સરકારી હોસ્પિટલોમાં અમે અન્ય બીમારીઓની પણ સારવાર શરૂ કરાવી હતી. જેના બાદ અમે મેડિકલ એસોસિયેશન સાથે વાત કરવી પડી હતી કે તમે લોકો ટીવીમાં તો બહુ બાઈટ આપો છો, હવે હોસ્પિટલ તો ખોલો.


આ પણ વાંચો : અમદાવાદની 7 વર્ષની ટેણકીને પોર્ન વીડિયો જોવાની લત લાગી, પછી તો રોજ...


તેમણે કહ્યું કે, મંજુશ્રી મિલ ખાતે બનેલી નવી કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે શરૂ કરી ત્યારે મને કુદરતી સંકેત થયો હતો. 56 વેન્ટીલેટર આવી ગયા હતા, ડોક્ટરો પણ તૈયાર હતા, પણ ગાડીમાં બેસતા બેસતા જ મેં કિડનીના ડાયરેક્ટર વિનીત મિશ્રાને કહ્યું હતું કે, ‘અહીં હાલ દર્દીઓ ના ભરતા, કદાચ જરૂર નહીં પડે. હાલ ઉતાવળ ન કરતા.’. અને થયું પણ એવું. 


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવાયેલા ફૂડ કોર્ટની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મુલાકાત લીધી હતી. તો બીજી તરફ, ટ્રોમા સેન્ટરની મુલાકાતે આવેલા નીતિન પટેલની નજર ફૂડ કોર્ટ પર પડતા અચાનક તેઓ ફૂડ કોર્ટ તરફ વળ્યા હતા. ફૂડ કોર્ટમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે તેઓએ જાણકારી મેળવી હતી. ફૂડ કોર્ટમાં જમી રહેલા લોકોને ‘જમવાનું કેવું છે...’ તેવું પણ નીતિન પટેલ દ્વારા પૂછવામાં આવ્યું. સાથે ગુજરાતી થાળી કેટલામાં આપો છે તેવો સવાલ પણ કર્યો હતો. 


આ પણ વાંચો : AIMIM સાથે હાથ મિલાવનાર છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું