અતુલ તિવારી/ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજનાની મુદ્દતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસી શિક્ષકોના લેક્ચર દીઠ માનદ વેતનમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર ખાલી જગ્યાઓ જ્યાં સુધી નિયમિત શિક્ષકોથીના ભરાય ત્યાં સુધી લેક્ચર દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની મુદ્દત વર્ષ 2022-23 નું શૈક્ષણિક સત્ર પૂર્ણનાં થાય ત્યાં સુધી લંબાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધ્યમિક શિક્ષણ માટે લેક્ચર દીઠ માનદ વેતન 175 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે લેક્ચર દીઠ માનદ વેતન 200 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા 10,500 રૂપિયાથી વધે નહીં તે મુજબ રહેશે. માધ્યમિક શિક્ષણમાં 16,500 રૂપિયા તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 16,700 રૂપિયા કરતાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતન વધે નહીં તે મુજબ રહેશે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા પ્રવાસી શિક્ષકની મંજૂરી સત્વરે આપવા માગ કરાઈ હતી. હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે એવામાં પ્રવાસી શિક્ષકોનું થીગડું મારી બાળકોના હિતમાં શિક્ષણ વિભાગ ઝડપથી નિર્ણય લે તેવી અપીલ કરી હતી. પ્રવાસી શિક્ષકની મંજુરી મળતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અનેક શાળાઓ જ્યાં મંજૂર થયેલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યાં શિક્ષણકાર્ય સમયસર પૂર્ણ થઈ શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube