જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી ખાસ વ્યવસ્થા
ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારકા પહોંચી ગયા છે. આજે દ્વારકામાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકાઃ ભગવાન કૃષ્ણના ભક્તો આ વર્ષે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવા માટે તૈયાર છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે મંદિર બંધ રહેતા ભક્તો આવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇન સાથે મંદિર ચાલુ છે. દ્વારકામાં જન્માષ્ટમી ઉજવવા માટે ભક્તો પહોંચી ગયા છે. અનેક ભક્તો એક દિવસ પહેલા દ્વારકા પહોંચ્યા હતા અને આજે મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.
આ છે દ્વારકા મંદિરનો આજનો કાર્યક્રમ
દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 30 ઓગસ્ટે સવારે ભગવાનના દર્શનનો સમય સવારે 6 કલાકે મંગળા આરતી થઈ હતી. સવારે 6થી 8 મંગળા દર્શનનો સમય રાખવામાં આવ્યો છે. 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક,9 વાગ્યે અભિષેક પશ્ચાર્ત પૂજન(પટ/દર્શન) બંધ રહેશે.10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 કલાકે શ્રૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શ્રૃંગાર આરતી,11-15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ અને 12 કલાકે રાજભોગ અર્પણના દર્શન યોજાશે.બપોરે 1થી 5 અનોરસ(બંધ) રહેશે.
સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન
સાંજે 5 કલાકે મંદિરમાં ઉત્થાપન દર્શન થશે. તો 5.30થી 5.45 કલાકે ઉત્થાપન ભોગ અર્પણ, 7.15થી 7.45 કલાકે સંધ્યા ભોગ અર્પણ, 8.30 કલાકે શયન આરતી અને 9 કલાકે શ્રીજી શયન (દર્શન બંધ રહેશે). ત્યારબાદ રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે વિશેષ મહાઆરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 2.30 કલાકે શ્રીજી શયન. તો 31 ઓગસ્ટે સવારે 7 કલાકે શ્રીજીના પારણા ઉત્સવના દર્શન બાદ 10.30 કલાકે અનોરસ (દર્શન બંધ) રહેશે. પછી સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન યોજાશે.
મંદિરમાં કોરોના ગાઇડલાઇનનું પાલન
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન માટે આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું છે. આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા આવતા લોકોની સુરક્ષા માટે 1300 પોલીસ જવાનો ખડેપગે છે. જેમાં 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ જવાનો છે. તો હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ખડેપગે છે.
ઓનલાઇન પણ દર્શનની વ્યવસ્થા
જે ભક્તો આજે દ્વારકા પહોંચીને દર્શન કરી શકે તેમ નથી, તેના માટે ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ પર ભગવાનના ઓનલાઇન દર્શન ઘરે બેઠા કરી શકો છો. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહેતા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube