હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે તેની વિગતો આપતા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જે દુકાનો ખોલવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. પાન, મસાલા, ચા-નાસ્તા, રેસ્ટોરાં, હેર કટિંગ જેવી દુકાનોને ખોલવા પર પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકત્રીત થયેલા ગ્રાહકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે ખાસ તકેદારી રખવામાં આવી રહી છે.


શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમુક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમાં નાગરિકો તંત્રને સહયોગ આપે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે જરૂરી છે. નાગરિકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી માટે દરરોજ બહાર ન આવે. બે-ત્રણ દિવસે બહાર નીકળીને જરૂરી સામગ્રી ખરીદે તે જરૂરી છે. લોકડાઉનના ભંગ અંગે નાગરિકોને જાણ થાય તો તાત્કાલીક 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. 


પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરનાર સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં ગત 5 એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગે નોંધાયેલા બે ગુનાઓમાં આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ગુનામાં નવસારી જિલ્લામાં ગત 9 એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલો કરનાર શખ્સને પાસા હેઠળ જેલમાં મોકલી દેવાયો છે. આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 15 ગુનામાં કુલ 38 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.


શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગચ રોજથી દાખલ થયા છે. તેમાં ડ્રોનના સર્વેલન્સથી 283 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9193 ગુના દાખલ કરી 18214 લોકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV નેટવર્ક દ્વારા 69 ગુનાઓ નોંધીને 75 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 1760 ગુના નોંધી 2713 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


વધુમાં જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 20 ગુનાઓમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આજદિન સુધીમાં 311 ગુનાઓમાં કુલ 537 લોકોની અટકાયત કરવામાં આવી છે. આજ પ્રમાણે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં 25 ગુના સાથે અત્યાર સુધીમાં 504 ગુના નોંધી 1011 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ 13 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube