ઝી મીડિયા/બ્યૂરો :ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે. અત્યાર સુધી આ કેસમાં કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં તપાસના તાર દિલ્હી સુધી લંબાયા છે. ધંધૂકા (dhandhuka) ના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી કિશન ભરવાડ (kisan bharvad) ની હત્યાના પ્લાન ઘડ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો
ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં પહેલા તે શબ્બીરને ઓળખતો ન હોવાની કેફિયત કરી હતી. પરંતુ બાદમાં શબ્બીર સામે આવતા જ તેણે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. તેના બાદ બંને મળ્યા હતા. કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો. તેના બાદ અમદાવાદમાં મૌલાના કમરગની, મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ હતી.


દાવત-એ-ઈસ્લામની અમદાવાદમા 2000 દાનપેટી
કમરગન ઉસ્માની પાકિસ્તાનની જે દાવત-એ-ઈસ્લામ સંસ્થા સાથે જોડાયેલો છે, તેની દેશભરમાં અનેક શાખાઓ આવેલી છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણે આ સંસ્થાની શાખા છે. આ સંસ્થા ઈસ્લામિક શિક્ષણના નેજા હેઠળ બ્રેઈનવોશ કરવાનુ કામ કરે છે. દાવત-એ-ઈસ્લામી સંસ્થાની માત્ર અમદાવાદમા જ 2000 જેટલી દાનપેટી છે. 



મૌલવીઓને કડકમાં કડક સજા થવી જોઈએ: કિશનના સસરા
વડોદરામાં કિશન ભરવાડના સાસરીમાં ગઈકાલે બેસણું રાખવામાં આવ્યું હતું. શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે શિવ સાગર સોસાયટીમાં કિશન ભરવાડના સાસરીનું ઘર આવેલુ છે. 
બેસણાંમાં શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે કિશનના સસરા જેસંગભાઈ ભરવાડે કહ્યું કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસી આપવામાં આવે. મૌલવીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. તો કિશનના સાળા પ્રકાશ ભરવાડે કહ્યું કે, દોઢ વર્ષ પહેલાં જ મારી બહેનનું કિશન સાથે લગ્ન થયું હતું. આરોપીઓનું જાહેરમાં એન્કાઉન્ટર કરવું જોઈએ. આ ઘટનાના તાર પાકિસ્તાન સુધી જોડાયેલા છે. 


ધંધુકાની ઘટના અંગે ભરવાડ સમાજના આગેવાન વિજય ભરવાડે કહ્યું કે, અમે ગૃહ રાજયમંત્રી સાથે મુલાકાત કરી છે. તેમણે જે વચન આપ્યું હતું તે પ્રમાણે સરાહનીય કામગીરી કરી બતાવી છે. સરકાર પાસે અમે હત્યારાને પકડવા અંગે માંગ કરી હતી. પોલીસે તત્કાલિક હત્યારાઓને પકડી લીધા હતા. હિન્દુ સમાજના દરેક સંગઠન અને આગેવાનોએ મુલાકાત કરી છે. ઝડપથી આ કેસ ચાલે, સારો વકીલ મળે તેવી રજુઆત કરી છે. હિન્દુ સમાજના તમામ આગેવાનોને વિનંતી કે હવે રેલી કાઢવાની થતી નથી. સરકાર આપણી વાત સાંભળે છે એટલે રેલીના આયોજનની જરૂર નથી રહેતી.