અલકેશ રાવ/બનાસકાંઠા :ધાનેરા નગરપાલિકાની ચૂંટણી દિલ્હીના જંગની જેમ રસપ્રદ બની રહી છે. ગુજરાતની નાનકડી એવી આ નગરપાલિકામાં રોજ રોજ નવા વળાંકો સામે આવે છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી હાલ ચર્ચાનો વિષય બની છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને ખરીદ-ફરોતની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં હડકંપ મચ્યો છે. ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઇ સોની અને પાલિકાના ભાજપના સદસ્ય અલકેશ રાણાના પિતા રાજુભાઇ રાણાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.  તાજેતરમાં 18 જૂનના રોજ ધાનેરા નગરપાલિકાના પ્રમુખની યોજાયેલ ચૂંટણી પૂર્વે બંને વચ્ચે સોદાબાજી કરતી ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મત આપવા 5 લાખની ઓફર 
કિરણબેન સોનીની તરફેણમાં અલકેશ રાણાને મતદાન કરવા સંજય સોનીએ રાજુભાઇ રાણાને 5 લાખ રૂપિયાની અને પાલિકાની સમિતિના ચેરમેન બનાવવાની કરી ઓફર કરી હતી. રાજુ રાણાએ ઓડિયો ક્લિપમાં 5 લાખ નહિ, પણ  20-25 લાખ આપવાની વાત કરી હતી. તો બીજી ઓડિયો ક્લિપમાં અલ્પેશ રાણાને ચૂંટણી સમયે ગેરહાજર રહેવા 5 લાખની ઓફર કરાઈ હતી. 


ધાનેરામાં સત્તાનો ખેલ 
ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્યોત્સનાબેન ત્રિવેદીને મેન્ડેડ આપ્યું હોવા છતાં મેન્ડેડના વિરુદ્ધમાં જઈ કિરણબેન સોનીએ ઉમેદવારી નોંધાવી હતી. બંને ભાજપના સભ્યોએ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવતા બંનેને 6-6 વોટ મળતાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો. જેમાં કિરણબેન સોનીને પ્રમુખ બનાવાયા હતા. જોકે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પ્રમુખ બન્યાના ફક્ત 2 દિવસમાં કિરણબેન સોની સહિત 6 સભ્યોને ભાજપ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. જોકે હવે કિરણબેન સોનીના પતિની સભ્યોને ખરીદવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં નગરપાલિકામાં હડકંપ મચ્યો હતો.


તાજેતરમાં થયેલી પ્રમુખની ચૂંટણી મામલે પાલિકામાં ભાજપમાં જ બે જુથ આમને સામને હતા. ભાજપના બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી હતી. ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ તરીકે કિરણબેનની નિમણુંક કરવામાં આવી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાલિકા પ્રમુખ સહિત અન્ય 5 સદસ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કિરણબેન સોનીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યાના બે જ દિવસમાં તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતા.