Dhari Gujarat Chutani Result 2022: ધારી બેઠક ભાજપને ફાળે ગઈ, જે વી કાકડિયા જીત્યા
Dhari Gujarat Chunav Result 2022: ધારી બેઠક પર ભાજપનો દબદબો છે. કેમ કે 1998, 2002 અને 2007માં ભાજપનો વિજ થયો હતો. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં બેઠક પર વિજય તો મેળવ્યો હતો પરંતુ 2020માં પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી.
Dhari Gujarat Chunav Result 2022: ધારી બેઠક પરથી જે વી કાકડિયાએ નજીકના હરિફ આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસીયાને 8717 મતથી હરાવી દીધા. ધારી વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો બેઠક પર 79 હજાર પટેલ, 27 હજાર કોળી, 18 હજાર દલિત, 18 હજાર આહિર, 12 હજાર ક્ષત્રિય, 8 હજાર લઘુમતી સમાજના મતદારો છે.
ધારી વિધાનસભા બેઠકઃ
અમરેલીની ધારી વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. જેના કારણે બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. ધારી અમરેલી જિલ્લામાં આવતો મતવિસ્તાર છે. આ બેઠકમાં ધારી અને બગસરા તાલુકા સિવાય ખાંભા તાલુકાના 27 ગામનો સમાવેશ થાય છે. શરૂઆતમાં ધારી બેઠક 38- ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46- ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94- ધારી બેઠકની ઓળખ મળી છે. આ બેઠક પર બેઠક પર કુલ 2,11,917 મતદારો છે. આ મતદારોમાં 1,13,257 પુરુષ મતદારો અને 1,04,150 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બેઠક પર 59.9 ટકા મતદાન થયું હતું.
2022ની ચૂંટણીઃ
ધારી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ઘણાં બધા દાવેદારો હતા. પરંતુ પાર્ટીએ આ વખતે કોંગ્રેસમાંથી આવેલા અને સિટીંગ ધારાસભ્ય
જે.વી.કાકડિયાને ફરી ટિકીટ આપી છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે કિર્તી બોરીસાગરને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ કાંતિભાઈ સતાસીયાને ટિકીટ આપીને મુકાબલો ત્રિપાંખિયો બનાવી દીધો છે.
2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ધારી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીનો પરાજય થયો હતો. જ્યારે કોંગ્રેસના જે.વી.કાકડિયાનો વિજય થયો હતો. જોકે જે.વી.કાકડિયા થોડા સમય પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેનાપછી યોજાયેલી પેટાચૂંટણીમાં જે.વી.કાકડિયાએ ભાજપની ટિકીટ પરથી વિજય મેળવ્યો હતો.
2012ની ચૂંટણી:
વર્ષ 2012માં ધારી બેઠક પર ભાજપ નહીં પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર નલિન કોટડિયા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કોંગ્રેસના કોકિલાબેન કાકડિયાને પરાજય આપ્યો હતો. વર્ષ 2012માં જીપીપીના નલિન કોટડિયાએ કુલ 41 હજાર 516 મત મેળવ્યા હતા.જ્યારે કોંગ્રેસના કોકિલાબેન કાકડિયાને 39 હજાર 941 મત મળ્યા હતા. તેમણે માત્ર 1575ની સરસાઈથી જીત મેળવી હતી.