રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ઉત્તર પ્રદેશમાં સામે આવેલા ધર્માંતરણ કેસના તાર વડોદરા બાદ કચ્છ સુધી પહોંચ્યા છે..ટ્રસ્ટના નામે પૈસા લઈ ધર્માંતરણ કરાતું હોવાનું અને મસ્જિદો બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. સાથે જ એ પણ સામે આવ્યું છે કે, આ માટે ફંડ દુબઈથી હવાલાના માધ્યમથી મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં SIT કચ્છમાં પાકિસ્તાનની સરહદ પાસે આવેલી મસ્જિદો સુધી પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલાઉદ્દીનના ટ્રસ્ટને મળેલા દાન અને હવાલાના ફંડમાંથી લાખો રૂપિયા આ છ મસ્જિદો તરફ વાળવામાં આવ્યા હતા. SITની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, આ મસ્જિદો મદરેસાઓ પણ ચલાવે છે અને જે ગામમાં આ મસ્જિદો બનાવવામાં આવી છે તે પાકિસ્તાનની સરહદથી ખૂબ જ નજીક છે. મસ્જિદના સંચાલકોની પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું છે કે, સલાઉદ્દીન પાસેથી તેમણે ફંડ મેળવ્યું હતું. 


યૂપીમાં ધર્માંતરણ કેસના તાર વડોદરા સુધી જોડાયા હતા અને આ મામલે સલાઉદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસમાં મોટા ખુલાસાઓ થયા છે. SIT વિદેશથી ફંડ પુરું પાડતા લોકો સામે સકંજો કસવાની તૈયારી કરી રહ્યું છે. આફમી ટ્રસ્ટના વિદેશી મદદગારો સુધી પહોંચવા માટે એમ્બેસીની પણ મદદ લેવામાં આવશે. જો પુરાવાર મળશે તો NRIની ધરપકડ પણ કરવામાં આવશે. આ સ્પેશિયલ ટીમની મદદ માટે વધુ એક ટીમની રચના કરવામાં આવશે. હવાલા મામલે ગુજરાત અને મુંબઈની આઠ આંગડિયા પેઢીની પણ તપાસ થઈ રહી છે.