નવસારી: કહેવાય છે કે દિકરીને ગાય દોરે ત્યાં જાય... નવસારીના એક આદિવાસી પિતાએ દેશ કાજે પોતાના બે સંતાનોમાંથી કોઈ એક પોતાને સમર્પિત કરે એવું સપનું સેવ્યુ હતુ. જેને પોતાના મનમાં ગાંઠ બાંધી ચૂકેલી દિકરીએ નબળી પરિસ્થિતિ વચ્ચે પૂર્ણ કર્યુ છે અને ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ma પસંદગી પામી હરિયાણા સ્થિત બેઝ કેમ્પમાં તાલીમ અર્થે જવા નિકળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું નાનકડું ગામ કછોલી. કછોલીના સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલી ધર્મિષ્ઠા રમેશ નાયકા ભારતીય સેનાની ITBP માં પસંદગી પામી છે. મજૂરી કરીને જીવન વ્યતીત કરતા સામાન્ય આદિવાસી પરિવારે દિકરી ધર્મિષ્ઠાને બી. કોમ સુધી ભણાવી, પણ ધર્મિષ્ઠાના મનમાં પિતા રમેશ નાયકા તરફથી દેશ સેવાના રોપાયેલા બીજ અંકુરિત થઈ રહ્યા હતા. 



7 વર્ષ પૂર્વે વહાણમાં માછીમારી કરવા ગયેલા પિતા રમેશભાઈ ઘરે પરત ન આવતા પરિવાર નિરાધાર બન્યો હતો. પરંતુ ધર્મિષ્ઠાના માતા અને ભાઈએ મજૂરી કરી દિકરીના સપનાને વ્હાલ અને પ્રોત્સાહનથી સિંચ્યું. સૈન્યમાં જવાની ઈચ્છા પણ તાલીમ લેવાની સ્થિતિ નહીં, તેમ છતાં ધર્મિષ્ઠાએ મક્કમ મનોબળ સાથે ગામમાં જ મામાના માર્ગદર્શનમાં દોડ તેમજ કસરત કરી, સાથે જ યુટ્યુબ વીડિયોની મદદથી ગુરૂ વિના એકલવ્યની જેમ સૈન્ય પરીક્ષા માટે પોતાને તૈયાર કરી હતી. 


દોઢ વર્ષની સખત મહેનત બાદ ગત દિવસોમાં સૈન્ય પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ થતા મેરીટ અનુસાર ધર્મિષ્ઠાની ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં પસંદગી થઈ છે. ગુજરાતમાંથી 3 દિકરીઓની પસંદગી થઈ, જેમાં નવસારીની ધર્મિષ્ઠા નાયકા એક છે. આ અગાઉ ધર્મિષ્ઠાએ ગુજરાત પોલીસમાં શારીરિક પરીક્ષા પાસ કરી હતી, પણ લેખિત પરીક્ષામાં પાછળ પડી હતી. 



જોકે, અડગતાથી પોતાના લક્ષ્ય સાથે મંડી પડેલી ધર્મિષ્ઠાએ સૈન્ય પરીક્ષા પાસ કરી અને આજે ભારતીય સેનામાં પસંદ થઈ છે. પસંદગી થતા આજે ધર્મિષ્ઠા હરિયાણા સ્થિત બેઝ કેમ્પમાં તાલીમ અર્થે જવા રવાના થઈ છે. ધર્મિષ્ઠાને માતા અને ભાઈએ ભારે હૈયે અને ચહેરા પર ખુશી સાથે વિદાય આપી હતી. 


ગ્રામજનો પણ તેને ઉત્સાહ સાથે વિદાય આપવા પહોંચ્યા હતા અને ભારત માતાકી જય અને વંદે માતરમ્ના નારા લગાવી ગર્વ સાથે ધર્મિષ્ઠા નાયકાને વિદાય આપી હતી.