સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચૂકાદા પર આપ્યો સ્ટે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળી રાહત
ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અમદાવાદ: ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સ્ટેની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચૂકાદા પર સ્ટે ફરમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી.
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો બન્યો છે.